આણંદમાં ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણી
Publish Date : 14/08/2026
મહિલા સુરક્ષા દિવસ અંતર્ગત ઘરેલું હિંસા અધિનિયમ અંગે વિશેષ સેમિનાર યોજાયો
વલ્લભ વિદ્યાનગર ખાતે નારી શક્તિના સશક્તિકરણ માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન
આણંદ, ગુરૂવાર, કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરિત ‘નારી વંદન ઉત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી આણંદ જિલ્લામાં કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે વલ્લભ વિદ્યાનગર સ્થિત નલિની-અરવિંદભાઈ એન્ડ ટી.વી. પટેલ આર્ટસ કોલેજ ખાતે ‘મહિલા સુરક્ષા દિવસ’ થીમ હેઠળ ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ વિશે મહિલાઓમાં જાગૃતિ લાવવાનો અને તેમને કાનૂની અધિકારોથી માહિતગાર કરવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજના પ્રિન્સિપાલ ડૉ. બી.એમ. પરમારે મહિલા સુરક્ષા દિવસની પ્રાસંગિકતા અને સમાજમાં નારી શક્તિના મહત્વ વિશે પ્રેરક ઉદબોધન આપ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી નીલેશ્વરીબા ગોહિલે ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ની વિવિધ જોગવાઈઓ અને જાતીગત સમાનતા વિશે વિસ્તૃત કાનૂની માહિતી પૂરી પાડી હતી. મહિલાઓને તાત્કાલિક સહાય મળી રહે તે હેતુથી ઓ.એસ.સી. કેન્દ્રના સંચાલક રિપ્પલબેને પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર અને ‘સખી વન સ્ટોપ સેન્ટર’ની કાર્યપદ્ધતિ વિશે માહિતગાર કર્યા જેન્ડર સ્પેશિયાલિસ્ટ હરેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે સવિસ્તાર માહિતી આપીને મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનવા પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના વુમેન સેલના પ્રોફેસર ડૉ. સાધનાબેન પટેલ દ્વારા તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના અધિકારીઓ, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના કર્મચારીઓ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ મિત્રો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજની મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ આ જાગૃતિ સેમિનારમાં ભાગ લઈને વિવિધ યોજનાઓ અને કાયદાકીય પાસાઓની જાણકારી મેળવી હતી. સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ આસિસ્ટન્ટ પ્રોફેસર શિલ્પાબેન દ્વારા આભારવિધિ સાથે કરવામાં આવી હતી.

આણંદમાં ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણી