હાથમાં તિરંગો અને હૃદયમાં ભારતના ગૌરવ સાથે તિરંગા યાત્રામાં જોડાવા આણંદ જિલ્લા કલેક્ટરનું આહવાન
Publish Date : 14/08/2026
આણંદ, ગુરૂવાર : આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આણંદ ખાતે ૧૪મી ઓગસ્ટના રોજ એક ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર ભાગ લે તે માટે આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદવાસીઓને તિરંગા યાત્રામાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.
તેમણે એક સંદેશ દ્વારા જણાવ્યું છે કે, આપણો તિરંગો માત્ર રાષ્ટ્રધ્વજ નથી પરંતુ તે સ્વાભિમાન, એકતા, સ્વતંત્રતા અને રાષ્ટ્રપ્રેમનું પ્રતીક છે. આઝાદી માટે અસંખ્ય વીરોએ આપેલા બલિદાનોને સ્મરણ કરવાનો અને દેશ પ્રત્યેની ભાવના વ્યક્ત કરવાનો આ એક અનેરો અવસર છે.
તેમણે જિલ્લાના તમામ નાગરિકો, ખાસ કરીને યુવાનો, વિદ્યાર્થીઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓને અપીલ કરી છે કે તેઓ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાય. “હાથમાં તિરંગો અને હૃદયમાં ભારતના ગૌરવ સાથે” એકતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ સમગ્ર આણંદમાં ગુંજતો કરવા તેમણે આણંદવાસીઓને આહ્વાન કર્યું છે.