આણંદના રાવળાપુરા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ
Publish Date : 12/08/2026
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂતોને આપ્યું માર્ગદર્શન
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
“પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતી માતાને બંજર થતી બચાવો”
“રાસાયણિક ખેતીના કારણે માતાના દૂધમાં પણ ઝેર ભળ્યું છે, હવે તો જાગો!”
“પ્રાકૃતિક ખેતીથી ખેત ઉત્પાદન, જમીનની ફળદ્રુપતા અને જળ સંચયમાં વધારો થાય છે”
પોતાના પરિવારજનોના કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ શરૂ કરવા ખેડૂતોને અનુરોધ કરતા રાજ્યપાલશ્રી
આણંદ, મંગળવાર , રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ તાલુકાના સામરખા ગામે રાત્રિ રોકાણ બાદ સવારે નેશનલ હાઈવે નંબર ૮ પર આવેલ રાવળાપુરા સ્થિત રવિ કોલ્ડ સ્ટોરેજ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અર્થે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સાથે સંવાદ સાધતા સ્પષ્ટ આહ્વાન કર્યું કે, રાસાયણિક ખાતરો અને દવાઓના ઉપયોગથી આપણી ધરતી માતા ઝેરી બની રહી છે. કેન્સર, હાર્ટ એટેક અને કિડની ફેલ થવા જેવા ગંભીર રોગોથી આવનારી પેઢીને બચાવવી હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા વિના કોઈ વિકલ્પ નથી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનના સ્વપ્નને સાકાર કરવા રાજ્યપાલશ્રીએ ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં થઈ રહેલી રાસાયણિક ખેતી એ માત્ર વ્યવસાય નથી રહ્યો, પરંતુ એક મોટો ગુનો અને પાપ બની ગયો છે. આપણા પૂર્વજોએ વારસામાં ફળદ્રુપ જમીન આપી હતી, પરંતુ આપણે રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોનો આડેધડ ઉપયોગ કરીને ધરતીને પથ્થર જેવી બંજર બનાવી દીધી છે. જેથી પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતી માતાને બંજર થતી બચાવવા આપણે સૌએ સહિયારા પ્રયત્નો કરવા જોઈએ.
રાજ્યપાલશ્રીએ એક સંશોધનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં માતાઓના દૂધના પરીક્ષણમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. માતાઓના દૂધમાં યૂરિયા અને જંતુનાશકોના અંશ જોવા મળ્યા છે. આ ઝેર ખેતરોમાં આપણે નાખેલા રાસાયણિક ખાતરોને કારણે અનાજ અને ફળો દ્વારા માનવ શરીરમાં પ્રવેશી રહ્યું છે, જેના કારણે ૧૦ વર્ષના બાળકો પણ કેન્સર અને ડાયાબિટીસ જેવી જીવલેણ બીમારીઓનો શિકાર બની રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટવાની ભ્રાંતિ દૂર થવી જરૂરી છે એમ સ્પષ્ટપણે જણાવી તેમણે પોતાના અંગત અનુભવો ટાંકતા કહ્યું કે, ગુરુકુલની સંપૂર્ણ જમીનમાં પ્રાકૃતિક ખેતી થાય છે, એક ટીપું પણ યૂરિયા કે ડીએપી નાખવામાં આવતું નથી. રાસાયણિક ખેતીમાં પ્રતિ વીઘા ૨૦ થી ૨૫ હજારનો ખર્ચ થાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં આ ખર્ચ નહિવત છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું નથી, પરંતુ જમીનની ફળદ્રુપતા અને જળ સંચયમાં પણ વધારો થાય છે.
ધરતી અને ગાયનું જતન એ જ સાચો ધર્મ છે એમ ભારપૂર્વક જણાવી રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું કે, તેઓ પોતાના ગામના અન્ય ખેડૂતોને પણ આ અભિયાનમાં જોડે. તેમણે દેશી ગાયના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ ધરતીનું જળસ્તર સુધારવા, પશુ-પક્ષીઓને બચાવવા અને આવનારી પેઢીને સ્વસ્થ જીવન આપવાનો એકમાત્ર માર્ગ છે.
ખેડૂતોને તબક્કાવાર રીતે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે અનુરોધ કરતા તેમણે જણાવ્યું કે, પોતાના પરિવાર માટે જમીનના એકાદ ભાગમાં પ્રાકૃતિક કૃષિ શરૂ કરો અને ત્યારબાદ તબક્કાવાર તેમાં વધારો કરવો જોઈએ. સારૂ પરિણામ મળશે, જેનાથી ખેડૂતોનો પ્રાકૃતિક કૃષિ પર ભરોસો વધશે.
આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની રાજ્યપાલશ્રીએ મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળ્યા હતા અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.
પ્રારંભમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ શાબ્દિક સ્વાગત કરીને કાર્યક્રમની રૂપરેખા આપી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે થયેલ પ્રગતિની વિગતો રજૂ કરી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, પ્રાંત અધિકારીશ્રી, સરપંચશ્રી, તલાટીશ્રી સહિત કૃષિ વૈજ્ઞાનિકો તથા પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આણંદના રાવળાપુરા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

આણંદના રાવળાપુરા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

આણંદના રાવળાપુરા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

આણંદના રાવળાપુરા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

આણંદના રાવળાપુરા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

આણંદના રાવળાપુરા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ