જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ ની પ્રવેશ પરીક્ષાના ઓનલાઇન ફોર્મમાં સુધારા કરવા માટેની તક
Publish Date : 12/08/2026
જેન્ડર, કેટેગરી અને પરીક્ષાના માધ્યમ સહિતની મહત્વની વિગતોમાં તા.૧૨ ઓગસ્ટ સુધી ઓનલાઇન ફેરફાર શક્ય
આણંદ, મંગળવાર, પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણના આચાર્યશ્રી દ્વારા વર્ષ ૨૦૨૭-૨૮ના શૈક્ષણિક સત્ર માટે ધોરણ ૬ માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે જણાવ્યું છે કે હાલમાં ધોરણ ૫ માં અભ્યાસ કરતા અને નવોદય પ્રવેશ પરીક્ષા-૨૦૨૭ માટે ઓનલાઇન આવેદન પત્ર ભરેલા વિદ્યાર્થીઓ જો તેમના ફોર્મમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તેમાં સુધારો કરી શકશે. આ સુધારા પ્રક્રિયા માટે શાળા દ્વારા નિયત સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઓનલાઇન માધ્યમથી પોતાના ફોર્મમાં જરૂરી ફેરફારો કરી શકશે.
આ પ્રવેશ ફોર્મમાં સુધારા કરવા માટેની ઓનલાઇન ‘કરેક્શન વિન્ડો’તા. ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ના બુધવાર સુધી ખુલ્લી રાખવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ઉમેદવાર પોતાની મહત્વની વિગતો જેવી કે જેન્ડર (જાતિ), કેટેગરી (General/OBC/SC/ST), વિસ્તાર (ગ્રામ્ય કે શહેરી), દિવ્યાંગતાની વિગત (Disability) અને પરીક્ષાના માધ્યમમાં (Medium of Examination) જો કોઈ ક્ષતિ હોય તો તે સુધારી શકશે.
વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમના ભરેલા ઓનલાઇન ફોર્મમાં સુધારા કરવા માટે અધિકૃત વેબસાઇટ https://cbseitms.rcil.gov.in નો ઉપયોગ કરી શકશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ કોઈ પણ પ્રકારના સુધારા કરી શકાશે નહી તેથી તમામ સંબંધિતોએ આજના દરમિયાન જ પોતાની વિગતો ચકાસી લેવા અને જરૂર જણાયે સુધારો કરી લેવા નવોદય વિદ્યાલય, ભાદરણના આચાર્યશ્રી ભોલંબર સિંગ દ્વારા જણાવવામાં આવ્યું છે.