કરમસદ આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓની હડતાલ પૂર્ણ
Publish Date : 10/08/2026
આણંદ, શુક્રવાર , છેલ્લા બે દિવસથી હડતાલ ઉપર ઉતરેલા કરમસદ આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓની હડતાલ સમેટાઈ ગઈ છે. કર્મચારીઓની તેમની રજૂઆતો કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયરશ્રીને આવેદન રૂપે આપી હતી. સાથો સાથ હડતાળના બીજા દિવસે હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓએ આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલને તેમના પ્રશ્નોની રજૂઆત બાબતે સંપર્ક કર્યો હતો.
આણંદના ધારાસભ્યશ્રીએ કરમસદ આણંદ મહાનગરપાલિકાના હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓના પ્રશ્નો રજૂઆત અને તેઓની લાગણીઓ સાંભળી હતી અને કર્મચારીઓને જે કંઈ મન દુઃખ છે અને તેઓની જે કંઈ માંગણીઓ છે તે સંબંધે તેઓ યોગ્ય કક્ષાએ રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું.
ધારાસભ્યશ્રીએ આપેલી હૈયા ધારણા બાદ આજે હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓ પુનઃ હડતાલ સમેટીને પોતાની ફરજ ઉપર જોડાઈ ગયા છે.
આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે, મને મનપાના હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓએ તેઓની રજૂઆતો, માંગણીઓ, લાગણી અંગે જે કંઈ રજૂઆત કરી છે તેને મેં સાંભળીને હડતાળ સમેટવા અને પુનઃ પ્રજાજનોની સેવામાં લાગી જણાવ્યુ છે તેથી તાત્કાલિક અસરથી હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓ ફરજ ઉપર હાજર થયા છે તેમની લાગણીઓને હું યોગ્ય કક્ષાએ રજૂઆત કરીશ તેમ પણ તેમણે જણાવ્યું હતુ.
કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર. એન. ડોડીયા એ જણાવ્યું કે મહાનગરપાલિકાના હડતાલ ઉપર ઉતરેલા અધિકારી કર્મચારીઓએ તેઓની લાગણીઓ અને માંગણીઓ અંગે મને કોઈપણ પ્રકારની મૌખિક કે લેખિત રજૂઆત કરી નથી તે બાબતે મને ઘણું દુઃખ છે, ખરેખર તેઓ મારા કર્મચારી છે તેઓએ મારી સમક્ષ પોતાની યોગ્ય માગણીઓ મૌખિક રીતે અથવા તો લેખિત સ્વરૂપમાં આપવી જોઈતી હતી તેના બદલે તેઓ અચાનક જ તેમની માંગણીઓ મહાનગરપાલિકાના મેયરશ્રીને આવેદન સ્વરૂપે આપીને હડતાલ ઉપર ઉતરી ગયા જે વ્યાજબી નહોતું.
આમ છતાં પણ મહાનગર પાલિકાના હડતાલ ઉપર ઉતરેલા અધિકારી કર્મચારીઓ પુનઃ બે દિવસના અંતે હડતાલ સમિતિને પોતાની ફરજમાં જોડાયા છે. તેમની જે કંઈ માંગણીઓ કે પ્રશ્નો હોય તે મને વ્યક્તિગત, સમૂહમાં મૌખિક કે લેખિત રીતે રજૂઆત કરશે તો હું સાંભળવા માટે બેઠો છું અને તેઓના યોગ્ય પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની થતી હશે તે પણ કરીશું.
મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓને ફરજમાં હાજર થયા બાદ મહાનગરપાલિકાની કામગીરીમાં જોડાઈને લોકોના પ્રશ્નો – સમસ્યાઓના સત્વરે નિરાકરણની કામગીરીમાં જોડાઈ જવા જણાવ્યુ હતુ.