Close

પેટલાદ અને સોજિત્રા વિસ્તારના  રસ્તાઓ ચાર માર્ગીય બનાવવા ₹૬૧.૩૧ કરોડની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી

Publish Date : 04/08/2026

ડભોઉ -મલાતજ થી ચાંગા- સંજાયા- બામરોલી થી વડતાલ સુધીના માર્ગો બનશે ચાર માર્ગીય

આણંદ, સોમવાર, ગુજરાત સરકાર દ્વારા પેટલાદ, સોજિત્રા અને નડિયાદ વિધાનસભા મતવિસ્તારમાં માળખાગત સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ₹૬૧ કરોડ ૩૧ લાખના માતબર ખર્ચે માર્ગ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ ડભોઉ અને મલાતજથી ચાંગા સુધીના હયાત માર્ગની પહોળાઈ ૭ મીટરથી વધારીને ૧૦ મીટર કરવામાં આવશે, જ્યારે ચાંગા થી વડતાલ સુધીના રસ્તાને ચાર માર્ગીય બનાવવાની મહત્વકાંક્ષી યોજનાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ નિર્ણયથી આ પેટલાદ સોજીત્રા અને નડિયાદ ત્રણેય વિધાનસભા વિસ્તારોના પરિવહન ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થશે અને સ્થાનિક પ્રજાની લાંબા સમયની માંગણી સંતોષાશે.

આ વિકાસ કાર્ય અંતર્ગત ચાંગા, સંજાયા અને બામરોલીથી વડતાલ સુધીના મહત્વના માર્ગોને ચાર માર્ગીય પહોળા રસ્તામાં પરિવર્તિત કરવામાં આવશે. આ ઉપરાંત ચાંગા અને વલેટવા થઈ વડતાલ સુધીના માર્ગને પણ ચાર માર્ગીય બનાવવાની મંજૂરી મળતા સ્થાનિક કક્ષાએ વાહનવ્યવહાર વધુ ઝડપી અને સુરક્ષિત બનશે.

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળ વિકાસની જે ઐતિહાસિક ગતિ રાજ્યમાં જોવા મળી રહી છે, તેના ભાગરૂપે જ પેટલાદ, સોજિત્રા અને નડિયાદ વિધાનસભાના સંયુક્ત વિસ્તારના વિકાસ માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે આ મંજૂરીને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું હતું કે, આ રસ્તાઓના નિર્માણથી વડતાલ જેવા મહત્વના ધાર્મિક અને ચાંગા જેવા શૈક્ષણિક કેન્દ્રો સુધીની અવરજવર અત્યંત સરળ બનશે, જે સમગ્ર ચરોતર પંથકના વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે. આ વિસ્તારમાં માર્ગ કનેક્ટિવિટી વધારવા માટે જે પ્રયાસો હાથ ધરાયા છે, તેનાથી સ્થાનિક રોજગાર અને વેપારને પણ વેગ મળશે. મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે આ કરોડોની વિકાસલક્ષી મંજૂરી આપવા બદલ ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.