આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઈમરજન્સી સેવાઓ માટે જિલ્લા કંટ્રોલરૂમ હેલ્પલાઈન નંબરો
Publish Date : 01/08/2026
નાગરિકોની સુવિધા અને વહીવટી સંકલન માટે જિલ્લા કલેક્ટર કચેરી સહિત તમામ તાલુકા મથકોના હેલ્પલાઈન નંબર કાર્યરત
ઈમરજન્સી અને આપત્તિના સમયમાં ત્વરિત સહાય માટે તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ વ્યવસ્થા ઉભી કરાઈ
આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લાના નાગરિકોની સલામતી અને ઈમરજન્સી સેવાઓના સુચારુ સંચાલન માટે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન નિચે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કંટ્રોલરૂમ અને વિવિધ કચેરીઓના હેલ્પલાઈન નંબરોની યાદી જાહેર કરવામાં આવી છે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ આપત્તિ કે કટોકટીના સમયે નાગરિકોને વહીવટી તંત્ર સાથે સીધો સંપર્ક સાધવામાં મદદરૂપ થવાનો છે. જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જારી કરવામાં આવેલી વિગતો મુજબ, મુખ્ય વહીવટી મથકો અને તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે જેથી છેવાડાના નાગરિકો સુધી વહીવટી મદદ પહોંચાડી શકાય.
જિલ્લા સ્તરે મહત્વની કચેરીઓ માટે અલગ-અલગ સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લા કલેક્ટર કચેરીનો સંપર્ક નંબર ૦૨૬૯૨-૨૪૩૨૨૨ અને જિલ્લા પંચાયત કચેરી માટે ૦૨૬૯૨-૨૬૪૪૬૩ નંબર જાહેર કરાયો છે. આ ઉપરાંત, શહેરી વિસ્તારની સુવિધાઓ માટે આણંદ મહાનગરપાલિકાના ૦૨૬૯૨-૨૪૩૯૪૨ નંબર પર સંપર્ક કરી શકાશે. આગ જેવી આકસ્મિક ઘટનાઓના નિવારણ માટે ફાયર વિભાગ, આણંદનો હેલ્પલાઈન નંબર ૦૨૬૯૨-૨૪૩૧૦૧ જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં નાગરિકો જરૂરિયાતના સમયે તાત્કાલિક મદદ મેળવી શકશે.
સમગ્ર આણંદ જિલ્લામાં તાલુકા સ્તરે પણ હેલ્પલાઈન સેવાની જાળ બિછાવવામાં આવી છે. આણંદ તાલુકા માટે ૦૨૬૯૨-૨૬૦૨૭૬ અને ઉમરેઠ તાલુકા માટે ૦૨૬૯૨-૨૭૭૯૦૦ નંબર પર સંપર્ક કરી શકાશે. બોરસદ તાલુકાના નાગરિકો માટે ૦૨૬૯૬-૨૨૦૦૪૮ અને આંકલાવ તાલુકા માટે ૦૨૬૯૬-૨૮૨૩૨૨ નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. આ નંબરો દ્વારા તાલુકા કક્ષાએ આવતી મુશ્કેલીઓ કે ઇમરજન્સી અંગેની જાણકારી વહીવટી તંત્રને આપી શકાશે.
જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સંપર્ક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે અંતર્ગત પેટલાદ તાલુકા માટે ૦૨૬૯૭-૨૨૪૩૭૩ અને સોજિત્રા તાલુકા માટે ૦૨૬૯૭-૨૩૩૩૦૦ નંબર ફાળવાયા છે. દરિયાકાંઠાના અને અન્ય વિસ્તારોમાં ખંભાત તાલુકા માટે ૦૨૬૯૮-૨૨૧૩૪૩ અને તારાપુર તાલુકા માટે ૦૨૬૯૮-૨૫૫૦૧૫ નંબર જાહેર કરવામાં આવ્યો છે.
આણંદ જિલ્લામાં પડી રહેલા ભારેથી અતિભારે વરસાદની પરિસ્થિતિમાં આણંદ જિલ્લાવાસીઓ આ તમામ નંબરો પરથી ૨૪ કલાક વહીવટી મદદ અને માર્ગદર્શન મેળવી શકશે, તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.