આણંદ જિલ્લામાં વરસાદ: વહીવટી તંત્ર સતર્ક, કામ વગર ઘરની બહાર ન નીકળવા જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ
Publish Date : 01/08/2026
જિલ્લા કંટ્રોલરૂમ ના નંબર 02692-243222 ઉપર સંપર્ક કરવા અનુરોધ
આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં આજે તારીખ ૩૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો છે. જિલ્લા કંટ્રોલ રૂમ, આણંદના સત્તાવાર અહેવાલ મુજબ જિલ્લામાં સરેરાશ ૧૦૪.૭૫ મીમી (આશરે ૪ ઈંચ) જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બોરસદ તાલુકામાં ૧૫૯ મીમી અને ખંભાતમાં ૧૪૭ મીમી વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત આણંદ અને પેટલાદ તાલુકામાં ૧૪૨-૧૪૨ મીમી, સોજિત્રામાં ૯૨ મીમી, તારાપુરમાં ૮૧ મીમી, ઉમરેઠમાં ૪૮ મીમી તથા આંકલાવમાં ૨૭ મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે જ જિલ્લામાં ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ ૫૬૧.૬૩ મીમી પર પહોંચ્યો છે.
ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર આણંદ જિલ્લા વહીવટી તંત્ર પૂર્ણપણે સતર્ક અને એલર્ટ મોડ પર આવી ગયું છે. જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના મુજબ તમામ તાલુકા મથકો અને જિલ્લા કંટ્રોલ રૂમ ૨૪x૭ કાર્યરત કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા, કોઝવે અને જળબંબાકાર ધરાવતા મુખ્ય માર્ગો પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management) ટીમ, આરોગ્ય વિભાગ, મામલતદાર કચેરીઓ અને સ્થાનિક નગરપાલિકાઓની ટીમોને કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરી દેવામાં આવી છે.
જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી જિલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે ઉપસ્થિત રહી સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યાં છે. જિલ્લામાં સાવચેતી અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, અત્યંત જરૂરિયાત કે જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવું. પાણી ભરાયેલા રસ્તાઓ, ગરનાળા કે વહેતા પાણીના પ્રવાહમાંથી વાહન ન ચલાવવા તેમજ વીજળીના થાંભલા, ખુલ્લા વાયરો કે વૃક્ષો નીચે ઊભા ન રહેવા ખાસ જણાવાયું છે.
કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિ કે મદદ માટે નાગરિકોને તુરંત જ જિલ્લા કંટ્રોલ રૂમ ના નંબર 02692-243222 ઉપર સંપર્ક કરવા અથવા સ્થાનિક વહીવટી તંત્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.