ભારે વરસાદના કારણે આણંદ જિલ્લાના તારાપુર અને ખંભાત તાલુકાના (રાજ્ય) અને પંચાયત વિભાગ હસ્તકના 10 માર્ગો પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર માટે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા
Publish Date : 27/07/2026
10 રસ્તાઓ ઉપર વરસાદી પાણીના ઓવર ટોપિંગના કારણે વાહન વ્યવહાર બંધ: તંત્ર દ્વારા સલામતીના પગલાં લેવાયા
નાગરિકોની અવરજવર જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પ્રાથમિક શાળા તરફના રસ્તા, મિલરામપુરા-દુગારી રોડ તથા રોહિણી-ખાખસર રોડ જેવા વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા
આણંદ, રવિવાર,આણંદ જિલ્લામાં પડેલા ભારે વરસાદ તથા ઉપરવાસમાંથી સતત આવી રહેલા પાણીના ભારે પ્રવાહના કારણે તારાપુર અને ખંભાત તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તેમજ પંચાયત વિભાગ હસ્તકના વિવિધ 10 જેટલા રસ્તાઓ પર પાણી ફરી વળવાની (ઓવર ટોપિંગ) પરિસ્થિતિ સર્જાઈ છે.
નાગરિકો અને વાહનચાલકોની સુરક્ષા તથા સલામતીને પ્રાથમિકતા આપતા જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગ દ્વારા અસરગ્રસ્ત તમામ રસ્તાઓ પર વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી સ્થગિત (બંધ) કરવામાં આવ્યો છે.
રાજ્ય માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હેઠળના તારાપુર તાલુકાના મુખ્ય 03 માર્ગો તારાપુર-મોરજ-જીચકા રોડ (કિ.મી. ૦/૦ થી ૧૨/૬૫૦), ખાખસર ક્રોસિંગ થી કાનાવાડા રોડ (કિ.મી. ૦/૦૦ થી ૮/૮૦૦) તેમજ જીણજ-પાદરા રોડ પર ઓવર ટોપિંગ થવાના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. આ રસ્તાઓ બંધ થવાથી જીચકા, મોટા ચીખલિયા, ચાંગડા કનેવાલ અને જીણજ પાદરા કનેવાલ જેવા ગામોના વાહનવ્યવહારને અસર પહોંચી છે. પરિસ્થિતિ નિયંત્રણમાં આવતાં આ રસ્તાઓ તા. ૨૭/૦૭/૨૦૨૬ થી ૨૮/૦૭/૨૦૨૬ સુધીમાં પુનઃ કાર્યરત થવાની શક્યતા છે.
પંચાયત (મા.મ.) વિભાગ હસ્તકના તારાપુર અને ખંભાત તાલુકાના કુલ 07 જેટલા ગ્રામીણ રસ્તાઓ ઉપર પાણીના કારણે બંધ કરાયા છે. જેમાં તારાપુર-રાજવાપુરા રોડ, મિલરામપુરા-ખડા રોડ, મિલરામપુરા-મોટા કલોદરા રોડ, મિલરામપુરા-કાનાવાડા રોડ, ખંભાત-ધુવારણ સ્ટેટ હાઈવે થી કલમસર પાટો રોડ અને ગુડેલ-ખાખસર રોડનો સમાવેશ થાય છે.
નાગરિકોની અવરજવર જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પ્રાથમિક શાળા તરફના રસ્તા, મિલરામપુરા-દુગારી રોડ તથા રોહિણી-ખાખસર રોડ જેવા વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા અસરગ્રસ્ત રસ્તાઓ પર કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ચેતવણી દર્શાવતા સાઇન બોર્ડ અને બેનરો લગાવી દેવામાં આવ્યા છે તેમજ સ્થાનિક સરપંચો અને ગ્રામજનોને સતર્ક કરવામાં આવ્યા છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકો અને ગ્રામજનોને અપીલ કરવામાં આવે છે કે જ્યાં સુધી પાણીનું સ્તર ઘટે નહીં ત્યાં સુધી બંધ રસ્તાઓ પરથી પસાર થવાનું ટાળવું, તંત્ર દ્વારા દર્શાવવામાં આવેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવો અને સુરક્ષા સંબંધિત સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.