Close

તારાપુર તાલુકામાં ઓવર ટોપિંગને કારણે ચાર મુખ્ય માર્ગો બંધ, વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

Publish Date : 27/07/2026

તારાપુર તાલુકામાં ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર ખોરવાયો: સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા બેનરો લગાવી રસ્તાઓ સીલ કરાયા

તારાપુરના ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, મુસાફરોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના

આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે માર્ગો પર પાણી ફરી વળતા (ઓવર ટોપિંગ) ચાર જેટલા મુખ્ય ગ્રામ્ય રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. તારીખ ૨૪ જુલાઈ ૨૦૨૬થી અમલી બનેલા આ નિર્ણયમાં તારાપુર મોરજ જીચકા રોડ, ગલીયાણા પચેગામ દૂગારી રોડ, ખાખસર ક્રોસિંગ થી કાનાવાડા રોડ અને જીણંજ પાદરા રોડનો સમાવેશ થાય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામાન્ય જનતાની સલામતી અને જાનહાનિ નિવારવાના હેતુથી જે-તે અસરગ્રસ્ત ગામોના રસ્તાઓ પર સૂચક બેનરો લગાવી દેવામાં આવ્યા છે અને સ્થિતિ સામાન્ય થતા આ માર્ગો તારીખ ૨૬ થી ૨૮ જુલાઈ દરમિયાન પુનઃ કાર્યરત થવાની સંભાવના છે.

 આ માર્ગો બંધ થવાના કારણે જીચકા, મોટા ચિંખલિયા, ગલીયાણા, પચેગામ, દૂગારી, રીંઝા, નભોઈ, ચાંગડા, કનેવાલ, જીણંજ અને પાદરા જેવા ગામોના પરિવહન પર સીધી અસર પડી છે, જેના નિવારણ માટે તંત્ર દ્વારા ચોક્કસ વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે. મુસાફરો માટે ગોરડ-રેલ-ખાનપુર થઈ તારાપુર વટામણ રોડ થી જીચકા, ફતેપુરા થી કસબારા તેમજ કનીવાલથી તારાપુર થી કાનાવાડા, જીણજ થી ખંભાત અને રોહિણી થઈ કનેવાલ જવાના વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. જે-તે રસ્તાની સ્થિતિ મુજબ ૩ કિમી થી લઈને ૨૫ કિમી સુધીના વૈકલ્પિક માર્ગો તૈયાર રખાયા છે જેથી ગ્રામજનોને હાલાકી ન ભોગવવી પડે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે પાણી ભરાયેલા રસ્તાઓ પર જોખમ ખેડવાને બદલે નિર્ધારિત કરવામાં આવેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવો.