આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને સ્પેશિયલ પોક્સો કોર્ટની વાસદ દુષ્કર્મ-હત્યા કેસમાં ત્વરિત સંવેદનાસભર કામગીરી
Publish Date : 27/07/2026
પીડિત બાળકીના માતા-પિતા માટે માત્ર એક જ દિવસમાં વચગાળાના વળતર પેટે રૂ. ૬,૩૭,૫૦૦ ચૂકવવાનો હુકમ
આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લાના વાસદ ખાતે માત્ર ૪ (ચાર) વર્ષની માસૂમ બાળકી પર થયેલા ઘાતકી દુષ્કર્મ અને હત્યાના દર્દનાક તથા અત્યંત ચકચારી ગુનાને ધ્યાન લઈ, આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા અત્યંત સંવેદનશીલતા દાખવી ત્વરિત સંવેદનાસભર કાર્યવાહી કરવામાં આવી છે. આ હીંચકારા બનાવમાં આર્થિક અને સામાજિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા માતા-પિતાએ પોતાની ફૂલ જેવી બાળકી ગુમાવી છે.
બનાવની ગંભીરતા અને સંવેદનાને ધ્યાને રાખી, આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષશ્રી એસ.એલ.ઠક્કરના માર્ગદર્શન હેઠળ આણંદના સ્પેશિયલ પોક્સો જજ શ્રી એસ.આઈ.ભોરણીયાએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી જી.ડી.પડીઆના સહકારથી પીડિત પરિવારને તાત્કાલિક વળતર ચૂકવવા અંગે નિયમાનુસાર સઘન કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ તા.૧૮/૦૭/૨૦૨૬ (રાત્રિ દરમિયાન) બન્યો હતો જેની તા. ૧૯/૦૭/૨૦૨૬ ન રોજ ફરીયાદ નોંધાઈ હતી. બનાવની જાણ થતાં જ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષશ્રી એસ.એલ.ઠક્કરએ પીડિત બાળકીના માતા-પિતાને ‘વિકટિમ કમ્પન્સેશન સ્કીમ’ હેઠળ મળવાપાત્ર વળતર ચૂકવવા તાત્કાલિક આગળની કાર્યવાહી કરવા સચિવ શ્રી જી.ડી.પડીઆને સૂચના આપી હતી.
સચિવશ્રી દ્વારા જરૂરી તમામ દસ્તાવેજો અને અરજી તાત્કાલિક તૈયાર કરી સ્પેશિયલ પોક્સો જજ શ્રી એસ.આઈ.ભોરણીયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ અરજી અને દસ્તાવેજોના આધારે, પોક્સો જજ શ્રી એસ.આઈ.ભોરણીયાએ સ્કીમની જોગવાઈઓ હેઠળ ત્વરિત નિર્ણય લઈને પીડિત બાળકીના માતા-પિતાને રૂ. ૬,૩૭,૫૦૦/- (અંકે રૂપિયા છ લાખ સાડત્રીસ હજાર પાંચસો પૂરા) નું વચગાળાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
આમ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષશ્રી, સ્પેશિયલ પોક્સો કોર્ટના જજશ્રી તથા સચિવશ્રી દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ માત્ર એક જ દિવસમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી બાળકીના માતા-પિતાને વચગાળાનું વળતર અપાવવાની સરાહનીય અને સંવેદનાસભર કામગીરી કરવામાં આવી છે તેમ આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી જી.ડી.પડિયા દ્વારા એક યાદીમાં જણાવાયું છે.