પેટલાદ અને બોરસદના નહેરના સર્વિસ રોડ માટે રૂ. ૩.૫૦ કરોડ મંજૂર: ખેડૂતો અને ગ્રામજનોને મળશે મોટી રાહત
Publish Date : 24/07/2026
૫.૮ કિમી લંબાઈના નવા આસ્ફાલ્ટ રોડથી પરિવહન સુગમ બનશે – નાણા રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ
વહેરા, ડભાસી અને બોચાસણ સહિતના ગામોના સર્વાંગી વિકાસને મળશે વેગ
આણંદ, ગુરૂવાર, ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલની માંગણી મુજબ રાજ્ય સરકાર દ્વારા બોરસદ તાલુકાના રહીશો માટે એક મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરી છે.
બોરસદ વિતરણ નહેરના સર્વિસ રોડના સુધારણા માટે રાજ્ય સરકાર દ્વારા આશરે રૂ. ૩.૫૦ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૫.૮ કિલોમીટરની લંબાઈ ધરાવતા આસ્ફાલ્ટ રોડનું નિર્માણ કરવામાં આવશે, જે લાંબા સમયથી પડતર રહેલી સ્થાનિકોની પરિવહનની સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે.
આ વિકાસ કાર્યની વિગતો આપતા મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ નવીન રોડના નિર્માણથી વહેરા, ડભાસી અને બોચાસણ એમ ત્રણ મુખ્ય ગામો સહિત બોરસદના અન્ય પાંચ ગામોના ખેડૂતો અને સ્થાનિક રહીશોને સીધો લાભ મળશે. નહેરના સર્વિસ રોડની હાલત સુધરતા ખેડૂતોને પોતાના ખેત ઉત્પાદનો બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે. આ સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં સુરક્ષિત અને સુગમ પરિવહનની સુવિધા ઉપલબ્ધ થવાથી આ વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસને નવું પ્રોત્સાહન મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.
લોકહિતના આ મહત્વના કામને મંજૂરી આપવા બદલ મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ જળસંપત્તિ રાજ્ય મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારના આ હકારાત્મક અભિગમથી ગ્રામીણ માળખાગત સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે. આ રોડ બનવાથી વાહનચાલકોની સુરક્ષામાં વધારો થશે અને સમયની પણ મોટી બચત થશે, જે સમગ્ર વિસ્તારના જનજીવન પર હકારાત્મક અસર પાડશે.
આગામી સમયમાં આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સર્વિસ રોડના સુધારણાથી માત્ર અવરજવર જ નહીં પરંતુ નહેરના નિભાવની કામગીરીમાં પણ સરળતા રહેશે તેમ નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું છે.