ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના: નિરાધાર બહેનો માટે આર્થિક સહાય
Publish Date : 21/07/2026
લાભાર્થીને દર મહિને ₹1,250 ની સહાય મળવા પાત્ર છે
આ યોજનાનો લાભ મેળવવા માટે કોઈપણ સમયે અરજી કરી શકાય છે
આણંદ, સોમવાર, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક રીતે સહાયરૂપ બની, તેઓ સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તે માટે મદદરૂપ થવાનો છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને રૂ. ૧૨૫૦/- ની આર્થિક સહાય સીધી તેમના બેંક કે પોસ્ટ ઓફિસ ખાતામાં જમા કરવામાં આવે છે.
આ સહાય મેળવવા માટે અરજદારની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૧,૨૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં રહેતા અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૧,૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
આ યોજનાનો લાભ સતત મેળવતા રહેવા માટે, લાભાર્થીએ દર વર્ષે જુલાઈ માસમાં પોતે પુનઃલગ્ન કર્યા નથી તે અંગેનું પ્રમાણપત્ર મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહે છે.
લાભાર્થીઓ જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી, મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, મામલતદારશ્રીની કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી, ગ્રામ પંચાયત કચેરી (તલાટી કમ મંત્રી) પાસેથી વિનામૂલ્યે અરજીપત્રક મેળવી અરજીપત્રક ભરીને જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત તાલુકા મામલતદારશ્રીની કચેરીમાં જમા કરાવવાનું રહેશે.
આ અરજી સાથે પાસપોર્ટ સાઈઝનો ફોટો (૨), ઉંમરનો પુરાવો, રહેઠાણનો પુરાવો, પતિના મરણનો દાખલો, આવકનો દાખલો, બેંક/પોસ્ટ ઓફિસ પાસબુકની નકલ, પુનઃલગ્ન ન કર્યા અંગેનું પ્રમાણપત્ર, આધારકાર્ડની નકલ અને બીપીએલ રેશનકાર્ડની નકલ (જો હોય તો) જોડવાની રહેશે.
આ યોજનામાં અરજી કરવા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી, પરંતુ જે તારીખથી અરજી મંજૂર થશે, તે તારીખથી સહાય મળવાપાત્ર થશે.
આવકનો દાખલો અને પુનઃલગ્ન ન કર્યા અંગેનું પ્રમાણપત્ર તલાટી, મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી પાસેથી મેળવી શકાશે. આ ઉપરાંત, ૧૮ થી ૫૦ વર્ષની વયજૂથની લાભાર્થી બહેનોને ‘જૂથ વીમા યોજના’ નો લાભ પણ આપવામાં આવે છે. આ યોજના હેઠળ આકસ્મિક મૃત્યુ કે અપંગતાના કિસ્સામાં રૂ. ૧,૦૦,૦૦૦/- થી લઈને રૂ. ૨,૦૦,૦૦૦/- સુધીનું વળતર મળવાપાત્ર છે. આ વીમા માટે લાભાર્થીએ કોઈ પ્રીમિયમ ચૂકવવાનું રહેતું નથી. સરકાર દ્વારા જ પ્રીમિયમ ચૂકવવામાં આવે છે.
આ યોજનાની વધુ માહિતી માટે જિલ્લા કક્ષાએ આણંદ ખાતેની જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જુના જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, રૂમ નંબર 18, 19 અને 20 અથવા કચેરીના ફોન નંબર 02692 – 260100 ઉપર અથવા ઇમેલ આઇડી wco-wcd-and@gujarat.gov.in ઉપર મેલ કરી શકાશે અને તાલુકા કક્ષાએ સંબંધિત મામલતદાર કચેરી અને ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત (તલાટી કમ મંત્રી અથવા વી.સી.ઈ.) નો સંપર્ક કરવાનો રહેશે.