આણંદ જિલ્લામાં ગ્લૂ ટ્રેપના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધનું ચુસ્ત અમલીકરણ : ૭ વેપારીઓ સામે FIR દાખલ
Publish Date : 21/07/2026
પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા રોકવા આણંદ પોલીસની મોટી કાર્યવાહી : ૭૭ સ્થળોએ તપાસ કરી ૩૭૪ ગ્લૂ ટ્રેપ જપ્ત કરાયા
આણંદ, સોમવાર, પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા નિવારવા અને નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશોનું અક્ષરશઃ પાલન કરવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરી દ્વારા તા.૦૧/૦૬/૨૦૨૬ ના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ અને ત્યાર બાદ આણંદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગ્લૂ ટ્રેપ (ઉંદર પકડવાની ચીકણી જાળી) ના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા રાજ્ય સરકારના ૧૫/૦૬/૨૦૨૬ ના ઠરાવ અને નામદાર હાઈકોર્ટના ઓરલ ઓર્ડરના પગલે સમગ્ર જિલ્લામાં આ પ્રતિબંધિત સાધનોના વેચાણ અને સંગ્રહ વિરુદ્ધ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય જીવદયા અને પ્રાણી સુરક્ષાના કાયદાઓનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવાનો છે.
આ વિશેષ અભિયાન અંતર્ગત આણંદ પોલીસ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા બજારો, વેપારીઓ, પેટશોપ, હાર્ડવેર સ્ટોર્સ અને ઓનલાઇન વિક્રેતાઓના એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૭૭ જેટલા શંકાસ્પદ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ તપાસ દરમિયાન નિયમભંગ કરતા ૭ એકમો મળી આવ્યા હતા, જ્યાંથી પ્રતિબંધ હોવા છતાં ગ્લૂ ટ્રેપનું વેચાણ કે સંગ્રહ કરવામાં આવતો હતો. પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ ૩૭૪ નંગ ગ્લૂ ટ્રેપ જપ્ત કર્યા છે અને જવાબદાર વેપારીઓ વિરુદ્ધ BNS-૨૨૩ તથા BNSS-૧૬૩ હેઠળ કુલ ૭ ગુનાઓ (FIR) નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ ૧૯૬૦ અંતર્ગત ભારતીય જીવજંતુ કલ્યાણ બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ ગ્લૂ ટ્રેપનો ઉપયોગ અત્યંત ક્રૂર અને અમાનવીય માનવામાં આવે છે. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી રીટ પીટીશન (PIL) ૨૮/૨૦૨૪ ના સંદર્ભમાં ગ્લૂ ટ્રેપના ઉત્પાદન, વેંચાણ, સંગ્રહ અને ઉપયોગ ઉપર રાજ્યવ્યાપી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે કે કોઈપણ વેપારી, સ્ટોર સંચાલક કે નાગરિક જો પ્રતિબંધિત ગ્લૂ ટ્રેપનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કે ઉપયોગ કરતો જણાશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.