Close

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાને લઈ ‘ક્વિક રિસ્પોન્સ ટીમ’ ની કરાઈ રચના

Publish Date : 20/07/2026

ભારે વરસાદ અને વાવાઝોડા જેવી આપત્તિમાં નાગરિકોની સુવિધા માટે મહાનગરપાલિકા નું તંત્ર સજ્જ

પૂર્વ અને પશ્ચિમ ઝોન મુજબ અધિકારીઓને સોંપાઈ મહત્વની જવાબદારી

ડ્રેનેજ સફાઈ, પાણીનો નિકાલ અને વીજળીની સમસ્યાઓનું થશે ત્વરિત નિરાકરણ

આણંદ, શનિવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુમાં સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ઉભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ‘ક્વિક રિસ્પોન્સ ટીમ’ ની રચના કરવામાં આવી છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરીજનોને મુશ્કેલી ન પડે તે હેતુથી વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો બનાવી તેમને જરૂરી મશીનરી અને મેનપાવર સાથે તૈનાત કરવામાં આવ્યા છે. આ ટીમો વરસાદી પાણી ભરાવા, ઝાડ પડી જવા કે રસ્તા બ્લોક થવા જેવી આકસ્મિક પરિસ્થિતિઓમાં તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરી સમસ્યાનું નિરાકરણ લાવશે.

મહાનગરપાલિકા દ્વારા સમગ્ર વિસ્તારને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં વહેંચીને કામગીરી સોંપવામાં આવી છે. પૂર્વ ઝોનમાં આણંદ, ગામડી, જીટોડીયા અને મોગરી જ્યારે પશ્ચિમ ઝોનમાં વિદ્યાનગર, કરમસદ, બાકરોલ અને લાંભવેલનો સમાવેશ થાય છે.

આ વિસ્તારોમાં મુખ્યત્વે રસ્તા પર પડેલા ખાડા પૂરવા, નીચાણવાળા વિસ્તારોમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવો તેમજ સ્ટોર્મ ડ્રેનેજ અને ગટર સફાઈની કામગીરી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે મદદનીશ ઈજનેરો અને સુપરવાઈઝરોની સીધી દેખરેખ હેઠળ ટીમો કાર્યરત રહેશે.

વરસાદી વાતાવરણ દરમિયાન વીજળી અને પીવાના પાણીની સુવિધા ખોરવાય નહીં તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે પવન વરસાદ વાવાઝોડાને કારણે બંધ થયેલી સ્ટ્રીટ લાઈટો શરૂ કરવી તેમજ પીવાના પાણીની લાઈનોમાં થતા લીકેજનું તાત્કાલિક સમારકામ કરવાની જવાબદારી સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવી છે. ભારે પવનને કારણે રોડ પર પડેલા ઝાડ કે ડાળીઓને હટાવવા માટે ફાયર વિભાગના સ્ટાફને પણ આ ક્વિક રિસ્પોન્સ ટીમ સાથે સંલગ્ન કરી સતત કાર્યરત રહેવા સૂચના અપાઈ છે.

ચોમાસા દરમિયાન સમગ્ર કામગીરીના સુચારુ સંચાલન માટે તમામ ટીમોએ કરેલી રોજબરોજની કામગીરીનો રિપોર્ટ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત નાગરિકોની સુખાકારી જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા અને આપત્તિના સમયે મહાનગરપાલિકાની ટીમો ચોવીસ કલાક ઉપલબ્ધ રહીને એકબીજાના સંકલનમાં રહી કામગીરી કરશે, જેથી ચોમાસા દરમિયાન જનજીવન પ્રભાવિત ન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.