Close

તા.10 જુલાઈ ના રોજ વલ્લભ વિદ્યાનગરમાં ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ-૨૦૨૬’નું આયોજન

Publish Date : 10/07/2026

કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સહિતના મૂર્ધન્ય વક્તાઓ યુવા લીડર્સને આપશે માર્ગદર્શન

 ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે યુવા શક્તિનો હૂંકાર: આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે યોજાશે વિશેષ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ

લોકશાહી અને શાસન વ્યવસ્થામાં યુવાનોની ભાગીદારી પર થશે ગહન ચર્ચા અને મંથન

આણંદ, ગુરૂવાર, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ‘માય ભારત’ તથા ‘સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન’ના સંયુક્ત ઉપક્રમે  તા.૧૦મી જુલાઈ ૨૦૨૬, શુક્રવારના રોજ વલ્લભ વિદ્યાનગર ખાતે ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે.

વલ્લભ વિદ્યાનગર આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના પી.જી. ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના ઓડિટોરિયમમાં બપોરે ૨:૩૦ થી ૪:૩૦ કલાક દરમિયાન યોજાનારા આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી ઉપસ્થિત રહી યુવાનોને પ્રેરિત કરશે. ‘વિકસિત ભારત માટે લોકશાહી અને શાસનમાં યુવાનો’ એ વિષયવસ્તુ પર કેન્દ્રિત આ સંવાદમાં દેશના ભવિષ્ય સમાન યુવા વ્યાવસાયિકોના મૌલિક વિચારો અને તેમની રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં આણંદના સાંસદ અને પ્રખર વિચારક શ્રી મિતેશભાઈ પટેલ મુખ્ય પેનલિસ્ટ અને અતિથિ વિશેષ તરીકે હાજર રહી યુવા નેતૃત્વ અંગે પોતાના મંતવ્યો રજૂ કરશે. તેમની સાથે વક્તા તરીકે લેખક અને તત્વચિંતક શ્રી ચૈતન્ય સંઘાણી તેમજ લાઇફ ડિઝાઇનર કોચ અને મોટિવેશનલ સ્પીકર શ્રી સાકેત શાહ પણ જોડાશે, જેઓ યુવા માનસને પ્રજ્વલિત કરી તેમને વહીવટી પ્રક્રિયામાં સક્રિય બનવા આહવાન કરશે.

 ‘યંગ માઇન્ડ્સ, બોલ્ડ આઇડિયાઝ’ના સૂત્ર સાથે યોજાઈ રહેલો આ રાઉન્ડ ટેબલ સંવાદ વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે યુવા શક્તિને એક સક્ષમ મંચ પૂરું પાડશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા પ્રતિભાઓ સહભાગી થઈને પરિવર્તનના વાહક બનશે અને રાષ્ટ્રના સર્વાંગી ઉત્થાન માટેના રોડમેપ પર ચર્ચા કરશે.