આણંદ જિલ્લામાં મતદાન મથકોની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ: ૧૫ મતદાન મથકો મર્જ કરાયા
Publish Date : 09/07/2026
મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ જિલ્લામાં હવે ૧૯૧૨ મતદાન મથકો અસ્તિત્વમાં આવશે
મતદારોની સંખ્યામાં થયેલા ઘટાડાને પગલે ૧૧૨ મથકોના સ્થળમાં ફેરફાર: ૧૪ જુલાઈ સુધીમાં સૂચનો રજૂ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની અપીલ
આણંદ, બુધવાર, આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના મતદાન મથકોના પુનર્ગઠન બાદની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીના પત્ર અન્વયે ૧ જાન્યુઆરી ૨૦૨૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાથ ધરવામાં આવેલા આ કાર્યક્રમ મુજબ, જિલ્લામાં મતદારોની સંખ્યાના આધારે મતદાન મથકોની નવી યાદી તૈયાર કરવામાં આવી છે. આ ફેરફારો અંગે નાગરિકો તરફથી કોઈ પણ સલાહ કે સૂચનો હોય તો તે મંગાવવામાં આવ્યા છે.
રાજ્યમાં હાથ ધરવામાં આવેલા મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ દરમિયાન મતદારોની કુલ સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, જેના સીધા પરિણામ સ્વરૂપે મતદાન મથકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.
આણંદ જિલ્લામાં અગાઉ કુલ ૧૯૨૭ મતદાન મથકો મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, નવા પુનર્ગઠન મુજબ જિલ્લામાં કુલ ૧૫ મતદાન મથકોને મર્જ કરવામાં આવ્યા છે, જેના કારણે હવે જિલ્લામાં કુલ ૧૯૧૨ મતદાન મથકોની પ્રાથમિક યાદી જાહેર કરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન જિલ્લાના ૯૯ સેક્શનોનું શિફ્ટિંગ પણ કરવામાં આવ્યું છે.
મતદાન મથકોના આ વ્યાપક પુનર્ગઠન હેઠળ ભૌગોલિક અને તકનીકી કારણોસર કુલ ૧૧૨ મતદાન મથકોના મૂળ સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સુધારા-વધારા સાથેની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, તમામ મતદાર નોંધણી અધિકારીઓની કચેરી તેમજ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓની કચેરી ખાતે જાહેર જનતાના અવલોકન માટે પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. મતદારો પોતાની સુવિધા મુજબ આ યાદી ચકાસી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લાની જાહેર જનતાને અપીલ કરી છે કે પ્રસિદ્ધ કરવામાં આવેલી આ પ્રાથમિક યાદીના સંદર્ભમાં જો કોઈ પણ પ્રકારના સૂચનો કે રજૂઆતો હોય, તો નાગરિકો આગામી તા.૧૪/૦૭/૨૦૨૬ ને મંગળવાર સુધીમાં સંબંધિત મતદાર નોંધણી અધિકારીની કચેરી અથવા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે સંપર્ક કરી શકે છે.