આણંદ જિલ્લાના સફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટે
Publish Date : 08/07/2026
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી લોન સહાય માટે અરજીઓ મંગાવાઈ
સફાઈ કામદારો ૩૧ જુલાઈ સુધી ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે; ૧૦ ઓગસ્ટ સુધીમાં જિલ્લા કચેરીએ ફોર્મ જમા કરાવવાનું રહેશે
આણંદ, મંગળવાર, ગાંધીનગર સ્થિત ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોના આર્થિક ઉત્થાન અને સ્વરોજગારી પૂરી પાડવાના ઉમદા હેતુથી વિવિધ લોન યોજનાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવાની જાહેરાત કરવામાં આવી છે.
આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ઉમેદવારો આગામી તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધી નિગમની અધિકૃત વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે. રાજ્ય સરકારના જાહેર સાહસ એવા આ નિગમ દ્વારા સફાઈ કામદાર પરિવારોને આત્મનિર્ભર બનાવવા માટે આ મહત્વપૂર્ણ કવાયત હાથ ધરવામાં આવી છે.
અરજી કરવાની પ્રક્રિયા અને સમયમર્યાદા અંગેની વિગતો આપતા ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર ના મેનેજિંગ ડિરેક્ટર જે.એમ. તુવારે જણાવ્યું છે કે, સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને લોન ધિરાણ આપવા માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા ગત તારીખ ૦૧ જુલાઈ ૨૦૨૬ થી કાર્યરત કરવામાં આવી છે. ઈચ્છુક અરજદારોએ પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in પર જઈને નિયત સમયમર્યાદામાં પોતાની વિગતો નોંધાવવાની રહેશે.
જે અરજદારો ઓનલાઈન અરજી કરવામાં અસમર્થ હોય, તેઓ જરૂરી આધાર-પુરાવા સાથે તાલુકા કક્ષાએ સમાજ કલ્યાણ નિરીક્ષક અથવા જિલ્લા કક્ષાએ મદદનીશ જિલ્લા મેનેજરનો સંપર્ક કરી શકશે. આ માટે અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, રૂમ નંબર 229, બીજો માળ, જૂના જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી, આણંદનો સંપર્ક કરવા જણાવાયું છે.
લોન માટેની ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ અરજદારોએ ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ આઉટ મેળવી તેની સાથે તમામ જરૂરી દસ્તાવેજો અને આધાર-પુરાવાઓ જોડીને જિલ્લા કચેરી ખાતે જમા કરાવવાના રહેશે. હાર્ડ કોપી જમા કરાવવા માટેની અંતિમ તારીખ ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે.
આણંદ જિલ્લાના સફાઈ કામદાર સમુદાયને આ તકનો મહત્તમ લાભ લેવા અને સ્વરોજગારીના માધ્યમથી આર્થિક રીતે સદ્ધર બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.