Close

આણંદ જિલ્લામાં અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે

Publish Date : 02/07/2026

૧૫ થી ૩૫ વર્ષની વયના અનુસૂચિત જાતિના યુવાનો ૮ જુલાઈ સુધીમાં અરજી કરી શકશે

આણંદ, બુધવાર, આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓના કૌશલ્ય વર્ધન અને સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા તાલુકા કક્ષાએ વિશેષ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે આ શિબિર જુલાઈ માસના અંતથી આણંદ જિલ્લાના પ્રત્યેક તાલુકામાં નિર્ધારિત સ્થળોએ યોજવામાં આવશે. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા શક્તિને રચનાત્મક માર્ગે વાળવાની સાથે તેઓમાં સામાજિક જવાબદારી, રાષ્ટ્રીય એકતા અને નેતૃત્વના ગુણો વિકસાવવાનો છે, જેથી તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં સક્રિય યોગદાન આપી શકે.

આ તાલીમ શિબિર દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા શિબિરાર્થીઓને વ્યક્તિગત વિકાસ, પંચાયતી રાજ માળખાની પાયાની સમજ, અને સામાજિક દૂષણો સામે વિરોધ જેવા વિષયો પર ગહન માર્ગદર્શન આપવામાં આવશે.

આ ઉપરાંત શિબિરાર્થીઓના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે અનુભવી યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનો અને પ્રાણાયામનું પ્રાયોગિક જ્ઞાન પણ પૂરું પાડવામાં આવશે.

આ શિબિરમાં જોડાવા ઈચ્છતા આણંદ જિલ્લાના લાયક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નંબર ૩૦૯, ત્રીજો માળ, જૂના જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતેથી મેળવી લેવાનું રહેશે. સંપૂર્ણ વિગતો સાથે ભરેલા ફોર્મ આગામી તારીખ ૦૮/૦૭/૨૦૨૬ સુધીમાં આ કચેરીએ પરત જમા કરાવવાના રહેશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.