ગુજરાતની જાહેર આરોગ્ય સંસ્થાઓમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’નો ગુંજશે નાદ: ૧ લી જુલાઈ એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરાવશે રાજ્યવ્યાપી પ્રારંભ
Publish Date : 01/07/2026
તા. ૧ જુલાઈ ના રોજ પેટલાદની એસ.એસ. હોસ્પિટલ ખાતે ‘નમો સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત કાર્યક્રમ યોજાશે
આણંદ, મંગળવાર ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં આગામી ૧લી જુલાઈ ૨૦૨૬, બુધવારના રોજ ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પેટલાદ ખાતે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગર ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાની ગરિમામય ઉપસ્થિતિમાં આ રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ થશે, જેનું જીવંત પ્રસારણ સમગ્ર રાજ્યની આરોગ્ય સંસ્થાઓમાં નિહાળવામાં આવશે.
આ કાર્યક્રમના ભાગરૂપે આણંદ જિલ્લાના પેટલાદ સ્થિત એસ.એસ. હોસ્પિટલ ખાતે સવારે ૦૮:૪૫ કલાકે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સ્વચ્છતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
આ પ્રેરણાદાયી અભિયાનમાં રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તેમજ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરૂ પાડશે.
આ પ્રસંગે આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મયુરીબેન પટેલ સહિત ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિતિ રહેશે. પેટલાદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કોકિલાબેન તલપદા અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં યોજાનારા આ કાર્યક્રમમાં આરોગ્ય સંસ્થાઓને વધુ સુઘડ અને સ્વચ્છ બનાવવા માટેના શપથ લેવામાં આવશે.
આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આ અભિયાનમાં સહભાગી થવા અને જીવંત પ્રસારણ નિહાળવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.