આણંદ જિલ્લામાં ૨૮ જૂને પલ્સ પોલિયો અભિયાન: ૨.૫૦ લાખથી વધુ બાળકોને પોલિયો વિરોધી રસીથી સુરક્ષિત કરાશે
Publish Date : 29/06/2026
પોલિયો મુક્ત ભારત અભિયાન: આણંદ જિલ્લાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને રસી પીવડાવવા તંત્ર સજ્જ
૭૩૨ બૂથ અને ૧૪૬૪ ટીમો દ્વારા જિલ્લાના ખૂણે-ખૂણે પહોંચશે આરોગ્ય કાર્યકરો
આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં આગામી ૨૮ જૂન, રવિવારના રોજ પલ્સ પોલિયો એન.આઈ.ડી. (NID) રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના નેતૃત્વમાં આ અભિયાન હાથ ધરાશે.
આ અભિયાન અંતર્ગત જિલ્લાના ૦ થી ૫ વર્ષની વયના અંદાજિત ૨,૫૦,૦૪૪ જેટલા નવજાત શિશુઓ અને બાળકોને પોલિયો વિરોધી રસીના બે ટીપાં પીવડાવી સુરક્ષિત કરવામાં આવશે.
આ કાર્યક્રમના સુચારુ અમલીકરણ માટે તાજેતરમાં જિલ્લા કલેકટર શ્રી એ સ્ટેયરીંગ કમિટીની બેઠક યોજીને તમામ વિભાગોના સહયોગથી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાનું એક પણ બાળક પોલિયો રસીથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવાનો છે.
જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને સંપૂર્ણપણે આવરી લેવા માટે વ્યાપક માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આંકડાકીય વિગતો મુજબ, ગ્રામ્ય સ્તરે ૯૨૮ બૂથ અને કોર્પોરેશન વિસ્તારમાં ૧૦૪ બૂથ મળી કુલ ૧૦૩૨ પોલિયો બૂથ કાર્યરત કરવામાં આવશે. આ કામગીરી માટે ૨૦૬૪ ટીમો, ૧૮૩ મોબાઈલ ટીમ અને ૬૫ ટ્રાન્ઝિટ ટીમો તૈનાત કરવામાં આવી છે, જે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને અન્ય જાહેર સ્થળોએ પણ રસીકરણની કામગીરી કરશે. આ સમગ્ર અભિયાનનું ૨૨૫ થી વધુ સુપરવાઈઝરો દ્વારા ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારના ૨,૧૮,૦૪૭ અને શહેરી વિસ્તારના ૩૧,૯૯૭ બાળકો સુધી પહોંચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસે એટલે કે રવિવારે નિયત કરવામાં આવેલા બૂથ પર રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યારબાદના બીજા અને ત્રીજા દિવસે આરોગ્યની ટીમો ઘરે-ઘરે ફરીને બાકી રહી ગયેલા બાળકોને શોધીને રસીના ટીપાં પીવડાવશે.
આ અભિયાનના સુચારૂ અમલીકરણ માટે લાયઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેઓ ફિલ્ડ લેવલે સતત મોનિટરિંગ કરશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા આણંદ જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે કે, પોતાના પરિવાર અને આજુબાજુના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈ રસીના ટીપાં અવશ્ય પીવડાવે અને આ રાષ્ટ્રીય કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપે.