ખંભાત તાલુકામાં ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉજવણી
Publish Date : 25/06/2026
શિક્ષણ દ્વારા ૧૦૦ ટકા નામાંકન અને શૂન્ય ડ્રોપ આઉટ રેશિયોનો લક્ષ્યાંક સિદ્ધ કરવા મેનેજિંગ ડિરેક્ટર કે.સી. સંપતનો અનુરોધ
વિદ્યાર્થીઓ રુચિના વિષયોમાં આગળ વધી કારકિર્દીનું ઘડતર કરે તે સમયની માંગ
દીકરીઓ શિક્ષણ મેળવી બે કુળને રોશન કરે તે માટે રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવા આહવાન
શિક્ષણ માત્ર અક્ષર જ્ઞાન નહીં પણ સાચી સમજણ આપે છે
આણંદ, બુધવાર : ખંભાત તાલુકાના ઉંદેલ ગામની નવાપુરા પ્રાથમિક શાળા તેમજ ખંભાત શહેરની બી.વી. પટેલ કન્યા વિદ્યાલય અને સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ ખાતે ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગાંધીનગર ઇન્ડેક્સ-બી ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કે.સી. સંપત (IAS) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે નવોદિત વિદ્યાર્થીઓને આવકારી પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થીએ પોતાના પસંદગીના વિષયમાં આગળ વધવું જોઈએ અને કોઈપણ સંજોગોમાં અધવચ્ચેથી શાળા છોડવી જોઈએ નહીં. તેમણે ઉમેર્યુ હતુ કે, બાળકોના કૌશલ્યને ખીલવવા માટે તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવું અનિવાર્ય છે જેથી તેઓ જીવનમાં પ્રગતિ સાધી શકે.
શ્રી સંપતે વિદ્યાર્થીઓએ અત્યારથી જ જીવનનું લક્ષ્ય નક્કી કરવા અપીલ કરતા જણાવ્યુ કે, જે વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત શિક્ષણ મેળવી શકતા નથી, તેઓ ઘરે રહીને પણ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ઇગ્નો જેવી સંસ્થાઓ દ્વારા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે.
તેમણે શિક્ષકોને વિશેષ અનુરોધ કરતા જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓએ કોઈ કારણોસર શાળા છોડી દીધી છે તેમને શિક્ષણનું મહત્વ સમજાવી ફરીથી મુખ્ય પ્રવાહમાં લાવવા જોઈએ. શાળામાં ૧૦૦ ટકા નામાંકન થાય તેની સાથે સાથે ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય રહે તે દિશામાં નક્કર કામગીરી કરવા તેમણે ભાર મૂક્યો હતો.
દીકરીઓના શિક્ષણ પર વિશેષ ભાર મૂકતા શ્રી કે.સી. સંપતે જણાવ્યું હતું કે, દીકરીઓ ભણેલી હોય તે અત્યંત જરૂરી છે કારણ કે તે પોતાના પિયર અને સાસરી એમ બંને પક્ષનું નામ રોશન કરે છે. દીકરીઓએ ઉચ્ચ અભ્યાસ માટે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવો જોઈએ. તેવી જ રીતે કુમારો પણ ટૂંકા ગાળાના સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ કરીને રોજગાર મેળવી શકે છે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. શિક્ષણ માત્ર જ્ઞાન જ નથી આપતું પણ તે સમાજ માટે શું હિતકર છે તેની સાચી સમજણ પણ કેળવે છે.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતગમતમાં રાજ્ય કક્ષાએ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે શાળા કમ્પાઉન્ડમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રવેશોત્સવમાં ખંભાતના મામલતદાર શ્રી જયદેવ વાંક, શિક્ષણ નિરીક્ષક શ્રીમતી ધારાબેન દશોદી, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ખંભાત તાલુકામાં ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉજવણી

ખંભાત તાલુકામાં ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉજવણી

ખંભાત તાલુકામાં ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉજવણી

ખંભાત તાલુકામાં ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉજવણી