Close

બોરસદ તાલુકામાં ૨૩ થી ૨૫ જૂન દરમિયાન ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’

Publish Date : 23/06/2026

માહિતી અને પ્રસારણ વિભાગના નાયબ સચિવ શ્રી વિરમભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં બોરસદના વિવિધ ક્લસ્ટરોમાં શિક્ષણનો ઉત્સવ ઉજવાશે

આણંદ, સોમવાર, બોરસદ તાલુકામાં તા.૨૩ જૂનથી ૨૫ જૂન દરમિયાન ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬-૨૭’ અંતર્ગત શિક્ષણનો મહાકુંભ ઉજવવામાં આવશે.

રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના નાયબ સચિવ શ્રી વિરમભાઈ બી. દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ક્લસ્ટરોની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં બાળકોને ભાવભર્યો આવકાર આપવામાં આવશે.

આ મહોત્સવનો મુખ્ય હેતુ ગ્રામીણ સ્તરે શિક્ષણનો વ્યાપ વધારવાનો, ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવાનો અને ખાસ કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપી શૈક્ષણિક સ્તર ઊંચું લાવવાનો છે.

ત્રણ દિવસીય આ પ્રવેશોત્સવના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, ૨૩ જૂનના રોજ સવારે 8:00 કલાકે બોરસદ તાલુકાના દિલ્હી ચકલા પ્રાથમિક શાળા – કઠાણા, સવારે 10:00 કલાકે કાલુ પ્રાથમિક શાળા અને શ્રી મહીસાગર વિદ્યાલય-કઠાણા ખાતે બપોરે 12-00 કલાકે કાર્યક્રમો યોજાશે.

ત્યારબાદ ૨૪ જૂને બોરસદ તાલુકાના દાવોલ ગામની વાણીયાપુરા પ્રાથમિક શાળા ખાતે સવારે 8:00 કલાકે, ત્યારબાદ સવારે 10:00 કલાકે દાવોલ ગામની ડી.આર. પટેલ હાઈસ્કૂલ અને બપોરે 12:00 કલાકે બોચાસણ ખાતેની શ્રી એ.પી. વિદ્યાલયમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવશે.

 કાર્યક્રમના અંતિમ દિવસે એટલે કે ૨૫ જૂને બોરસદ તાલુકાના ભાદરાણીયા ગામે સવારે 8:00 કલાકે પ્રાથમિક શાળામાં, સવારે 10:00 કલાકે શ્રી કન્યા વિદ્યાલય ભાદરણ અને બપોરે 12:00 કલાકે ટીબી હાઇસ્કુલ ભાદરણમાં બાળકોનું નામાંકન કરી તેમને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવશે.