Close

આણંદ જિલ્લામાં ૨૩ જૂનથી ત્રિ-દિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’

Publish Date : 23/06/2026

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મયુરીબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બાળકોને શાળા પ્રવેશ અપાવી શિક્ષણના ધામમાં આવકારાશે

શિક્ષણના સ્તરને સુધારવા અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન

આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં શિક્ષણના સ્તરને વધુ ઉંચે લાવવા અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે આગામી તારીખ ૨૩, ૨૪ અને ૨૫ જૂન દરમિયાન ત્રિ-દિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪-૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયુરીબેન પટેલની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ તાલુકાઓ અને કલસ્ટરોની શાળાઓમાં ભૂલકાઓને ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવવામાં આવશે. કાર્યક્રમના પ્રથમ દિવસે તારીખ ૨૩ જૂનના રોજ આણંદ તાલુકામાં બેડવા કુમાર શાળા, નૂતન ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ -બેડવા અને ઝેડ.એસ.જી .હાઈસ્કૂલ – સારસા જેવી શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે, જેમાં બાલવાટિકાથી લઈને ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓને આવકારવામાં આવશે.

શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે એટલે કે તારીખ ૨૪ જૂનના રોજ આણંદ તાલુકાની આંકલાવાડી પ્રાથમિક શાળા, વહેરાખાડી ની કે. એફ. સાર્વજનિક હાઇસ્કુલ અને વાસદ ખાતેની સરદાર પટેલ વિનય મંદિર વાસદ ખાતે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

 કાર્યક્રમના અંતિમ દિવસે તારીખ ૨૫ જૂને આણંદ તાલુકામાં ખાનપુર પ્રાથમિક શાળા, સી. એમ.પટેલ હાઇસ્કુલ – ખંભોળજ અને અજૂપુરાની એસ એમ પટેલ હાઇસ્કુલ ખાતે ઉજવણી કરવામાં આવશે.

આ ત્રણ દિવસ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવશે તેમજ વાલીઓને કન્યા કેળવણીનું મહત્વ સમજાવીને વધુમાં વધુ દીકરીઓને શિક્ષણના પ્રવાહમાં જોડવા માટે આહવાન કરવામાં આવશે. શિક્ષણ વિભાગના આ વિશેષ અભિયાન દ્વારા આણંદ જિલ્લામાં શૈક્ષણિક જાગૃતિ લાવવા, ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.