આણંદ જિલ્લામાં ૨૩ જૂનથી ત્રિ-દિવસીય ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’
Publish Date : 23/06/2026
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં બાળકોનો નામાંકન ઉત્સવ યોજાશે
શિક્ષણનો વ્યાપ વધારવા અને ૧૦૦ ટકા નામાંકન સુનિશ્ચિત કરવા વહીવટી તંત્ર દ્વારા કરાયું સઘન આયોજન
મંત્રી શ્રી રમણભાઈ સોલંકી પ્રથમ દિવસે આકલાવ તાલુકામાં બીજા દિવસે બોરસદ તાલુકામાં અને ત્રીજા દિવસે તારાપુર તાલુકાની શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવશે
આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં આગામી તા. ૨૩, ૨૪ અને ૨૫ જૂન દરમિયાન શૈક્ષણિક ગુણવત્તાના ઉત્થાન અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી શ્રી રમણભાઈ સોલંકી આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં વિશેષ રૂપે ઉપસ્થિત રહી આણંદ જિલ્લાના વિવિધ તાલુકાઓના ભૂલકાઓને વિધિવત રીતે શાળામાં પ્રવેશ કરાવી પ્રોત્સાહિત કરશે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં બાળકોના નામાંકન દરમાં વધારો કરવો, ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવો અને પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણનું સ્તર વધુ સુદ્રઢ બનાવી શિક્ષણના પાયાને મજબૂત કરવાનો છે.
નિર્ધારિત કાર્યક્રમની વિગતો મુજબ, પ્રથમ દિવસે ૨૩ જૂનના રોજ મંત્રીશ્રી આંકલાવ તાલુકાના પીએમ શ્રી ભેટાસી તળપદ પ્રાથમિક શાળા, ભેટાસી વાંટા અને એમ.પી. પટેલ હાઈસ્કૂલ, ભેટાસીમાં હાજરી આપી કાર્યક્રમનો પ્રારંભ કરાવશે અને બાળકોને શાળા પ્રવેશ કરાવશે.
ત્યારબાદ બીજા દિવસે ૨૪ જૂને બોરસદ તાલુકાના હરખાપુરા પ્રાથમિક શાળા, બોદાલ વિદ્યામંદિર અને અલાારસા ગામની મોરલીધર વિદ્યામંદિર ખાતે કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી મંત્રીશ્રી બાળકોને આશીર્વચન પાઠવશે. અભિયાનના અંતિમ દિવસે એટલે કે ૨૫ જૂને તારાપુર તાલુકાના મોભા પ્રાથમિક શાળા, ઉંટવાડા હાઈ સ્કુલ અને મોરજ ગામની શ્રી એલ ડી પટેલ વિદ્યાવિહાર ખાતે મંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં બાળકોના શાળામાં પ્રવેશની વિધિ સંપન્ન થશે, જેમાં બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11 ના બાળકોને પ્રવેશ આપવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન શાળા વ્યવસ્થાપન સમિતિ, સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો અને વાલીઓ સાથે સીધો સંવાદ સાધવામાં આવશે જેથી શિક્ષણ પ્રત્યે સામાજિક જાગૃતિ લાવી શકાય.
આ ત્રિ-દિવસીય ઉત્સવ માત્ર પ્રવેશ પૂરતો મર્યાદિત ન રહેતા, લોકભાગીદારી દ્વારા ગ્રામ્ય સ્તરે શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરી આણંદ જિલ્લો શિક્ષણ ક્ષેત્રે નવા શિખરો સર કરે તેવું સુદ્રઢ આયોજન વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.