આણંદ જિલ્લામાં માર્ગ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે આર.ટી.ઓ.(RTO)ની કડક કાર્યવાહી
Publish Date : 17/06/2026
ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરી આર.ટી.ઓ. કચેર દ્વારા રૂપિયા ૩૯.૮૬ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો
આણંદ આર.ટી.ઓ. દ્વારા કુલ ૫,૪૧૯ વાહનો ડિટેઈન/દંડિત કરી કુલ રૂપિયા ૧.૬૨ કરોડથી વધુની રકમના દંડની વસૂલાત કરવામાં આવી
છેલ્લા ૩ માસમાં અકસ્માત માટે જવાબદાર એવા કુલ ૧૬ વાહનચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ આર.ટી.ઓ. દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા
આણંદ, મંગળવાર , આણંદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવા અને વાહનચાલકો સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે તે હેતુથી જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને દર મહિને નિયમિતપણે ‘માર્ગ સલામતી બેઠકનું આયોજન કરવામાં આવે છે. બેઠકમાં જિલ્લામાં બનતા માર્ગ અકસ્માતો, તેમાં થતા મૃત્યુના આંકડા અને અકસ્માત સર્જાયો હોય તેવા ચોક્કસ સ્થળો (બ્લેક સ્પોટ) પર માર્ગ સલામતી વધારવા માટેના જરૂરી પગલાંની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવે છે. બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને કાર્યવાહી નોંધના આધારે સંબંધિત માર્ગ માલિકી ધરાવતી એજન્સીઓ દ્વારા સ્થળ પર સુધારાત્મક કામગીરી તાકીદે હાથ ધરવામાં આવે છે.
જિલ્લામાં ટ્રાફિક જાગરૂકતા લાવવા અને કાયદાનું ચુસ્ત પાલન કરાવવા માટે આણંદ આર.ટી.ઓ. (RTO) કચેરી દ્વારા એન્ફોર્સમેંટની ઝુંબેશ હાથ ધરી માર્ગોને નુકસાન પહોંચાડતા અને અકસ્માતને જાહેર આમંત્રણ આપતા ઓવરલોડ વાહનો સામે કડક હાથે કામ લેવામાં આવ્યું છે. છેલ્લા ૩ માસ દરમિયાન આર.ટી.ઓ. વિભાગ દ્વારા જિલ્લામાં કુલ ૩૪૭ ઓવરલોડ વાહનો સામે કાયદેસરની એન્ફોર્સમેંટ કાર્યવાહી કરી, નિયમભંગ બદલ કુલ રૂપિયા ૩૯,૮૬,૫૦૦/- રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
આણંદ જિલ્લામાં થતા ગંભીર અને જીવલેણ (ફેટલ) અકસ્માતોના કિસ્સામાં બેદરકાર વાહનચાલકો સામે ઉદાહરણરૂપ પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આર.ટી.ઓ. કચેરી દ્વારા કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરીને છેલ્લા ૩ માસમાં અકસ્માત માટે જવાબદાર એવા કુલ ૧૬ વાહનચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેથી
ભવિષ્યમાં આવી ગંભીર બેદરકારી અટકાવી શકાય.
આણંદ આર.ટી.ઓ. કચેરી દ્વારા સમગ્ર જિલ્લામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ચેકિંગ હાથ ધરી વિશેષ એન્ફોર્સમેંટ ડ્રાઇવ દરમિયાન વિવિધ નિયમોનો ભંગ કરનારા કુલ ૫,૪૧૯ વાહનો સામે કાયદાકીય સપાટો બોલાવવામાં આવ્યો હતો. આ તમામ વાહનો પાસેથી કુલ રૂપિયા ૧,૬૨,૭૯,૪૬૯/- રકમનો દંડ વસૂલ કરીને નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું આણંદના પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
વધુમાં જિલ્લા પ્રશાસન અને આર.ટી.ઓ. કચેરી દ્વારા આણંદના તમામ નાગરિકોને ટ્રાફિકના નિયમોનું સ્વેચ્છાએ પાલન કરવા, ઓવરસ્પીડિંગ કે ઓવરલોડિંગ ન કરવા અને સુરક્ષિત ડ્રાઇવિંગ કરી આણંદ જિલ્લાને અકસ્માત મુક્ત બનાવવામાં સહયોગ આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે.