Close

આણંદ જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ

Publish Date : 17/06/2026

આણંદ, મંગળવાર , “ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)” જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી તરીકે પણ ઓળખવામાં આવે છે અને જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે તે પ્રતિબંધિત છે. જ્યારે ઉંદર ગ્લુટ્રેપ વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે ત્યારે ગુંદરની જાળમાં પકડાયા પછી પોતાની રીતે મુક્ત કરવામાં અસમર્થ છે. જેના પરીણામે ડી-હાઈડ્રેશન, ભુખમરો અને ગુંગળામણના કારણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે.

જેને ધ્યાને લઈ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસિધ્ધ કરાયેલ “ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)” ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંગેના પરિપત્રના ચુસ્ત અમલીકરણ બાબતે સચોટ કાર્યવાહી કરવાની સુચના તેમજ પ્રાણી કુરતા નિવારણ અધિનિયમ-૧૯૬૦ ની કલમ-૧૧ મુજબ કોઈપણ પ્રાણીને બિનજરૂરી પીડા, વેદના ન આપવા અંગે થયેલ જોગવાઈને ધ્યાને લઈ આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તેમને મળેલ સત્તાની રૂએ સમગ્ર આણંદ જિલ્લામાં “ઉંદર પકડવાની જાળ(ગ્લુટ્રેપ)”ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા હુકમ ફરમાવ્યો છે.

આ જાહેરનામું તારીખ ૩૧/૦૭/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. તેમજ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.