બોરસદ ખાતે ખેડૂત સંગોષ્ઠિ અને PM-PRANAM જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Publish Date : 17/06/2026
બોરસદ APMC ખાતે આધુનિક ખેતી અને ખાતરના સંતુલિત ઉપયોગ અંગે ૧૨૫ જેટલા ખેડૂતોને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું
આણંદ, મંગળવાર, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા તેના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે બોરસદ સ્થિત એપીએમસી હોલ ખાતે ખેડૂત સંગોષ્ઠિ અને PM-PRANAM જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
એરિયા મેનેજર શ્રી એ. આર. નંદાણીએ GNFCની છેલ્લા ૫૦ વર્ષની ગૌરવશાળી સફર અને કૃષિ વિકાસમાં કંપનીના પ્રદાન વિશે વાત કરી હતી. તેમણે ખેડૂતોને રાસાયણિક ખાતરોના સંતુલિત ઉપયોગની સાથે નેનો યુરિયા, નેનો DAP, FOM અને સીટી કમ્પોસ્ટ જેવા જૈવિક વિકલ્પો અપનાવવા અનુરોધ કર્યો હતો.
તકનીકી સત્રમાં કૃષિ વૈજ્ઞાનિક ડૉ. આર. એમ. પટેલે પ્રાકૃતિક ખેતી, જીવામૃત અને બીજામૃતના ઉપયોગ દ્વારા જમીનની ફળદ્રુપતા કઈ રીતે જાળવી શકાય તે અંગે ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે બીજ સંવર્ધનનું મહત્વ સમજાવતા સ્થાનિક અને ગુણવત્તાયુક્ત બીજોના સંરક્ષણ અને ઉત્પાદન અંગે ખેડૂતોને સજ્જ કર્યા હતા.
વિસ્તરણ અધિકારી શ્રી દલસુખભાઈ પઢિયારે સરકારશ્રી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ચલાવવામાં આવતી વિવિધ કૃષિ સહાય અને સબસિડી યોજનાઓની વિગતો રજૂ કરી હતી. તેમણે આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવીને અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ મેળવીને ખાતરોનો કરકસરપૂર્વક અને વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરવાની ખેડૂતોને અપીલ કરી હતી.
કાર્યક્રમના અંતિમ ચરણમાં ખેડૂતો અને તજજ્ઞો વચ્ચે સીધો સંવાદ યોજાયો હતો, જેમાં ખેડૂતોએ પોતાની ખેતી વિષયક મુંઝવણો અને પ્રશ્નોની ચર્ચા કરી સંતોષકારક સમાધાન મેળવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ શ્રી એસ. કે. ભૂવા દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં બોરસદ એપીએમસીના ચેરમેન શ્રી અશોકભાઈ મહીડા, વાઇસ ચેરમેન શ્રી યોગેશભાઈ પટેલ, ડિરેક્ટર શ્રી ઇલ્વેષભાઈ પટેલ અને ખાતર એસોસિએશનના પ્રમુખ સહિત એપીએમસીના સભ્યો બોરસદ અને આસપાસના વિસ્તારોના ૧૨૫ જેટલા પ્રગતિશીલ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.