આંકલાવના ગંભીરામાં મહી નદીના પટમાં ખનીજ માફિયાઓ પર તંત્રનો દરોડો, 53 લાખનો મુદ્દામાલ જપ્ત
Publish Date : 17/06/2026
આણંદ કલેક્ટરની સૂચનાથી ખાણ-ખનિજ વિભાગની મોટી કાર્યવાહી: ગેરકાયદે રેતી ખનન કરતા સાધનો સીઝ કરાયા
આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનનની પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ખાણ-ખનિજ વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરીને મહી નદીના પટમાં ચાલતા રેતીના ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી અંતર્ગત આંકલાવ તાલુકાના ગંભીરા અને બામણગામ વિસ્તારમાં દરોડો પાડીને લાખોની કિંમતની મશીનરી જપ્ત કરવામાં આવી છે.
જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન મુજબ આણંદના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની તપાસ ટીમ દ્વારા આજે વહેલી સવારે આંકલાવ તાલુકાના ગંભીરા-બામણગામને લાગુ મહી નદીના કિનારાના ભાગે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સ્થળ પર રેતીના ગેરકાયદેસર ખોદકામની વ્યાપક ફરીયાદોને પગલે તંત્ર દ્વારા આ આયોજનબદ્ધ રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન ઘટનાસ્થળે સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવતું હોવાનું માલૂમ પડ્યું હતું. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા સાધનો પૈકી 01 એક્સેવેટર મશીન તથા 02 નાવડીઓ (બોટ) સહિત કુલ 53 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ તંત્ર દ્વારા સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો છે.
ખનીજ ચોરીના આ મામલામાં પકડાયેલા તમામ સાધનો અને મુદ્દામાલ સામે નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને ખાણ-ખનિજ વિભાગ દ્વારા આગામી સમયમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન ચેકિંગ અને કડક પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું છે.

આંકલાવના ગંભીરામાં મહી નદીના પટમાં ખનીજ માફિયાઓ પર તંત્રનો દરોડો, 53 લાખનો મુદ્દામાલ જપ્ત

આંકલાવના ગંભીરામાં મહી નદીના પટમાં ખનીજ માફિયાઓ પર તંત્રનો દરોડો, 53 લાખનો મુદ્દામાલ જપ્ત