Close

આણંદ જિલ્લામાં આવેલા કારખાનાઓમાં ચોમાસાની ઋતુ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતી રાખવા સુચના

Publish Date : 05/06/2026

સંભવિત વાવાઝોડા અને ભારે વરસાદને પગલે આણંદ જિલ્લાના કારખાનાઓ માટે મહત્વની માર્ગદર્શિકા જાહેર

ચોમાસા દરમિયાન ઔદ્યોગિક અકસ્માતો રોકવા તંત્ર સજ્જ: ઉદ્યોગોને સલામતીના ૧૮ મુદ્દાઓનું પાલન કરવા તાકીદ

આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુ અને સંભવિત વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આણંદના મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા જિલ્લાના તમામ કારખાનાઓ, ખાસ કરીને મેજર એક્સિડન્ટ હઝાર્ડ (MAH) અને જોખમી કેમિકલ્સનું સ્ટોરેજ કરતા એકમો માટે એક વિસ્તૃત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શિકાનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી મોસમમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે ઔદ્યોગિક અકસ્માતને નિવારવાનો છે, જેથી જાન-માલનું નુકસાન અટકાવી શકાય.

તંત્ર દ્વારા જાહેર કરાયેલ સૂચના મુજબ, કારખાનાઓએ જોખમી અને ઝેરી કેમિકલ્સનો સ્ટોક મર્યાદિત માત્રામાં રાખવા જણાવાયું છે. જ્યાં જ્વલનશીલ કે રીએક્ટિવ પદાર્થોનો સંગ્રહ કરવામાં આવે છે ત્યાં પાણી ભરાય નહીં તેની ખાસ તકેદારી રાખવા અને શેડમાં કોઈ પણ પ્રકારના લીકેજ હોય તો તેને તાત્કાલિક રીપેર કરવા આદેશ અપાયા છે. આ ઉપરાંત, વિદ્યુત સુરક્ષા અંગે કડક વલણ અપનાવતા જણાવાયું છે કે તમામ લુઝ વાયરિંગ અને ટેમ્પરરી કનેક્શન્સ તાત્કાલિક દૂર કરવા તેમજ તમામ ઈલેક્ટ્રિકલ ફિટિંગ્સ સ્ટાન્ડર્ડ ગુણવત્તાના જ વાપરવા. વરસાદ દરમિયાન વેલ્ડિંગ જેવી જોખમી કામગીરી મુલતવી રાખવા અને ઈલેક્ટ્રિકલ પેનલ્સમાં ELCB, MCB અને RCCB જેવા સુરક્ષા સાધનો કાર્યરત રાખવા તાકીદ કરવામાં આવી છે.

ઔદ્યોગિક એકમોને તેમની ઓન-સાઇટ ઇમરજન્સી પ્લાન મુજબ સંભવિત વાવાઝોડાની સ્થિતિ અંગે રિહર્સલ (મોક ડ્રીલ) કરી તમામ કામદારોને માહિતગાર કરવા સૂચના અપાઈ છે. કારખાનામાં આવેલા ફાયર ફાઈટિંગ ઈક્વિપમેન્ટ્સનું સર્વિસિંગ અને રિફિલિંગ સમયસર કરાવી લેવા તેમજ સંકટ સમયે લેવાના પગલાંની જાણકારી દરેક કામદાર સુધી પહોંચાડવા જણાવાયું છે. ખાસ કરીને ભારે પવનની સ્થિતિમાં ઊંચાઈ પર લગાડવામાં આવેલા બોર્ડ કે હોર્ડિંગ્સ નીચે ઉતારી લેવા અને વરસાદ દરમિયાન ઊંચાઈ પર કામ કરવાનું ટાળવા સૂચના અપાઈ છે. જો અનિવાર્ય સંજોગોમાં ઊંચાઈ પર કામ કરવાનું થાય, તો પ્રોપર સેફ્ટી બેલ્ટ, નેટ અને લાઈફ લાઈનનો ઉપયોગ સુપરવિઝન હેઠળ જ કરવો પડશે.

વરસાદી પાણીના નિકાલ માટે કારખાનાના પરિસરમાં આવેલી ગટરો, વરસાદી છત પરના પાઈપો અને રિચાર્જ વેલની સફાઈ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જેથી જળબંબાકારની સ્થિતિ ટાળી શકાય. કારખાનાઓમાં વપરાતા ડી-વોટરિંગ પમ્પ ચાલુ હાલતમાં રાખવા અને અર્થ પિટની ક્ષમતા ચકાસવા જણાવાયું છે.

આ સાથે જ, ચોમાસા દરમિયાન કામદારો બિમાર ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા અને ઝેરી કેમિકલ્સના અકસ્માત સમયે ઉપયોગી એવા એન્ટિડોટ્સનો પૂરતો જથ્થો રાખવા માટે પણ ઉદ્યોગ સંચાલકોને નિર્દેશ આપવામાં આવ્યા છે. જિલ્લાના ઔદ્યોગિક એકમો આ તમામ સુરક્ષા માપદંડોનું ચુસ્તપણે પાલન કરે તે માટે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ની કચેરીના મદદનીશ નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.