Close

આણંદ જિલ્લામાં ૦૮ થી ૧૪ જૂન દરમિયાન યોજાશે “સ્વચ્છતા સપ્તાહ અભિયાન

Publish Date : 03/06/2026

આણંદ, મંગળવાર, રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના સર્વાંગી સ્વાસ્થ્ય,  સુખાકારી અને આદર્શ ગ્રામ પંચાયતની વિભાવનાને ચરિતાર્થ કરવા માટે લોક ભાગીદારી થકી સ્વચ્છતા અભિયાન વધુ સક્રિય વ્યાપક અને પરિણામલક્ષી બને તે માટે સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ” ના સંકલ્પ સાથે આગામી તા.૦૮-૦૬-૨૦૨૬ થી તા. ૧૪-૦૬-૨૦૨૬ દરમિયાન સમગ્ર આણંદ જિલ્લામાં સઘન ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન’ નું આયોજન જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

આ અભિયાનને વધુ પરિણામલક્ષી બનાવવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક શ્રી જે.વી. દેસાઈ ની આગેવાની હેઠળ સાત દિવસનું વિશેષ આયોજન કરાયું છે. જેમા તારીખ ૦૮ જૂનના રોજ તમામ ગ્રામ પંચાયતો ખાતે સ્વચ્છતા જાગૃતિ રેલી, બાઇક/સાયકલ રેલી યોજાશે. તા. ૦૯ જૂનના રોજ ‘પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ’ ઉજવીને ગ્રામ પંચાયતો ખાતે બજારો અને જાહેર રસ્તાઓ પરથી સઘન પ્લાસ્ટિક સફાઈ ઝુંબેશ ચલાવાશે. તા.૧૦ જૂને જળાશયો અને ખુલ્લા પ્લોટની સફાઈ જેમાં ગામના તળાવ, જળાશયો અને ખુલ્લા પ્લોટમાં એકત્રિત થયેલ કચરો તેમજ ઝાડી ,ઝાંખરાઓની સફાઈ અને મચ્છર ઉત્પત્તિ અટકાવવાના પગલાં લેવામા આવશે.

તા.૧૧ જૂનના દિવસે જિલ્લાના તમામ ગામોમાં ખુલ્લી તથા બંધ ગટરોની સંપૂર્ણ સફાઈ કરવામા આવશે. તા.

૧૨ જૂને આંતરિક શેરીઓ અને મુખ્ય ચોકની ૧૦૦% સફાઈ તથા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામા આવશે. તા.૧૩ જૂનના રોજ જાહેર સંસ્થાઓ અને ધાર્મિક સ્થળો ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે.

અભિયાનના અંતિમ દિવસે એટલે કે તા.૧૪ જૂને નાગરિકોને સ્વચ્છતા અવિરત જાળવી રાખવા માટે “સ્વચ્છતા શપથ” લેવડાવવામાં આવશે.

આ સમગ્ર સ્વચ્છતા સપ્તાહ દરમિયાન આણંદના સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ પણ શ્રમદાન આપીને પ્રેરણા પૂરી પાડશે. આ ઝુંબેશમાં કચરાના ઢગલાનો કાયમી નિકાલ કરવો તેમજ બસ સ્ટેન્ડ અને શાકભાજી માર્કેટ જેવા જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા પર વિશેષ ભાર મુકાયો છે.