Close

તા.20 જૂન ના રોજ ખંભાત વિભાગના પોલીસ સ્ટેશનો દ્વારા કબ્જે કરાયેલા ૧૦૫ વાહનોની ઓનલાઇન જાહેર હરાજી કરાશે

Publish Date : 02/06/2026

આણંદ, સોમવાર, વિભાગીય પોલીસ અધિકારી ખંભાત દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખંભાત વિભાગના તાબા હેઠળ આવતા વિવિધ પોલીસ સ્ટેશનો ખાતે કબ્જે લેવામાં આવેલા કુલ ૧૦૫ વાહનોની ઓનલાઇન જાહેર હરાજી આગામી તા. ૨૦/૦૬/૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી બપોરના ૧૪:૦૦ વાગ્યા સુધી સત્તાવાર વેબસાઇટ https://e-auction.nprocure.com  ઉપર ઓનલાઇન માધ્યમથી કરવામાં આવશે.

આ જાહેર હરાજીમાં ભાગ લેવા ઈચ્છતા વેપારીઓ કે પેઢીઓ પાસે “ડીજીટલ સિગ્નેચર સર્ટિફિકેટ” લેવાનું રહેશે તેમજ જી.એસ.ટી. નંબર હોવો અનિવાર્ય છે.

 જાહેર હરાજીમાં વાહન ખરીદવા ઇચ્છતા વેપારીઓ વેબસાઇટ પર જઈને પોતાનું યૂઝર આઇડી બનાવી આગામી તા.14/06/2026 સુધીમાં કચેરી સમય દરમિયાન પોતાના ઓળખના સત્તાવાર પુરાવા આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાસપોર્ટ, ચૂંટણીકાર્ડ અથવા પાનકાર્ડમાંથી કોઈપણ એક પુરાવો પોલીસ અધીક્ષકશ્રી આણંદની કચેરીની વહીવટી શાખા ખાતે રૂબરૂ અથવા આર.પી.એ.ડી.થી મોકલી આપવાનો રહેશે.

આ હરાજીમાં ભાગ લેનાર દરેક પેઢી કે વેપારીએ એડવાન્સ ડિપોઝીટ પેટે રૂપિયા ૨૫,૦૦૦ નો “OS TO S.P ANAND” ના નામનો માત્ર રાષ્ટ્રીયકૃત બેંકનો જ ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) બનાવીને તા.14/06/2026 સુધીમાં કચેરી સમય દરમિયાન ટપાલ દ્વારા અથવા રૂબરૂમાં જમા કરાવવાનો રહેશે.

આ હરાજી અંતર્ગત ખંભાત સીટી પોલીસ સ્ટેશન ખાતેના કુલ ૫૧ વાહનો, ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતેના ૧૮ વાહનો, તારાપુર પોલીસ સ્ટેશન ખાતેના ૧૫ વાહનો તથા વિરસદ પોલીસ સ્ટેશન ખાતેના ૨૧ વાહનો મળીને કુલ ૧૦૫ વાહનો ઓનલાઇન હરાજીમાં મુકવામાં આવ્યા છે, જેનું નિરીક્ષણ જે તે વેપારી તા.૦૮/૦૬/૨૦૨૬ થી ૧૬/૦૬/૨૦૨૬ સુધીમાં કચેરી સમય દરમિયાન સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે સ્વખર્ચે જઈને પ્રત્યક્ષ રીતે કરી શકશે.

હરાજીની પ્રક્રિયાની વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦૪૧૯૪૬૩૨ ઉપર સંપર્ક સાધવા વિભાગીય પોલીસ અધિકારીશ્રી, ખંભાત દ્વારા જણાવવામાં આવ્યું છે.