Close

રાષ્ટ્રીય વસ્તી ગણતરી – ૨૦૨૭

Publish Date : 01/06/2026

આણંદ જિલ્લાના મહાનુભાવોએ જાતે ‘સ્વ-ગણતરી’ કરી નાગરિકોને સ્વ ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરી

દેશની પ્રથમ ડિજિટલ “સ્વ-ગણતરી” અન્વયે આણંદ જિલ્લામાં અત્યારસુધીમાં કુલ ૧૯,૫૭૫ પરિવારોએ પોતાની સફળતાપૂર્વક પોતાની સ્વ ગણતરી પૂર્ણ કરી

આજે તારીખ ૩૧મી મે નો દિવસ ‘સ્વ ગણતરી’ પ્રક્રિયામાં સહભાગી થઈ જાતે પોતાની વિગતો ભરવાનો છેલ્લો દિવસ

આણંદ, શુક્રવાર , ભારતની સર્વપ્રથમ સંપૂર્ણ ડિજિટલ જનગણના ૨૦૨૭ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘સ્વ-ગણતરી’ (Self Enumeration) પ્રક્રિયાનો રાજ્ય વ્યાપી ડિજિટલ પ્રારંભ કરાવ્યા બાદ, આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક નેતૃત્વને કારણે આણંદ જિલ્લામાં સ્વગણતરી પ્રક્રિયામાં નાગરિકો ઉત્સાહભેર સહભાગી બન્યા છે. આ રાષ્ટ્રીય કવાયતના ભાગરૂપે આણંદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, રાજકીય અગ્રણીઓ અને પૂજ્ય સંતોએ પોતે ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો ભરીને આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને નાગરિકો સામે એક પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ જનગણના અભિયાનને જન-જન સુધી પહોંચાડવા માટે રાજ્યકક્ષાના મંત્રી અને પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઇ પટેલ, તેમની સાથે, આધ્યાત્મિક ક્ષેત્રના અગ્રણી પહ્મભૂષણ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી, આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ અને ઉમરેઠના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમાર, આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ તેમજ આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી અને કરમસદ આણંદ મહાનગરપાલિકા કમિશ્નરશ્રી આર.એન.ડોડીયા,  નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ.દેસાઇએ પણ સક્રિયપણે જોડાઈને પોતાની ઓનલાઈન નોંધણી પૂર્ણ કરી હતી અને રાષ્ટ્રીય કાર્યમાં સહભાગી થવા નાગરિકોને પ્રેરણા પૂરી પાડી છે.

સ્થાનિક વહીવટી તંત્રના સુવ્યવસ્થિત આયોજન અને જનપ્રતિનિધિઓના સહયોગને કારણે આણંદ જિલ્લાએ આ અભિયાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ૩૦ મે સુધીની વિગતો અનુસાર, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૧,૨૦૪ પરિવારોએ સત્તાવાર પોર્ટલ પર નોંધણી કરાવી લીધી છે. જેમાંથી ૧૯,૫૭૫ પરિવારોએ પોતાની સ્વ-ગણતરી (SE Completed) સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જ્યારે ૧,૬૨૯ પરિવારોની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે.

દેશના ભવિષ્ય અને વિકાસાત્મક આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ એવી આ ‘સ્વ-ગણતરી’ પ્રક્રિયા પૂર્ણ કરવાનો આજે એટલે કે તારીખ ૩૧ મે, ૨૦૨૬ છેલ્લો દિવસ છે, એટલે કે હવે માત્ર આજના દિવસ દરમિયાન જ સ્વ ગણતરી પ્રક્રિયામાં ભાગ લઈ શકાશે. જેથી જિલ્લાના તમામ મહાનુભાવોએ સ્વ ગણતરી પદ્ધતિને અત્યંત સરળ, ઝડપી અને સુરક્ષિત ગણાવી જિલ્લાના તમામ બાકી રહી ગયેલા નાગરિકોને સત્વરે વસ્તી ગણતરીના સત્તાવાર પોર્ટલ https://se.census.gov.in/ પર જઈને પોતાની સાચી અને સચોટ માહિતી ઓનલાઇન સબમિટ કરવા સંયુક્તપણે અપીલ કરવામા આવી છે.