Close

આણંદ જિલ્લામાં ખેડૂતોના કલ્યાણ અર્થે સતત પ્રયાસરત ‘આત્મા’ પ્રોજેક્ટ

Publish Date : 27/05/2026

ખેડૂતોને વૈજ્ઞાનિક ખેત પદ્ધતિઓથી અવગત કરવા વર્ષ દરમિયાન ૧૧૫૦ ખેડૂતોને તાલીમ આપવામાં આવી

કુલ ૧૮૬૫ ખેડૂતોને રૂપિયા ૬.૬૪ લાખ ના ખર્ચે કરાવાયો પ્રેરણા પ્રવાસ

આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમ, કૃષિ નિદર્શન અને પ્રેરણા પ્રવાસના  નિયમિત આયોજનથી જિલ્લાના હજારો ખેડૂતો થયા લાભાન્વિત

આણંદ, મંગળવાર , આણંદ જિલ્લામાં ખેતીવાડી અને સંલગ્ન ક્ષેત્રોના આધુનિકીકરણ તેમજ ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત ‘એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી’ એટલે કે ‘આત્મા’ પ્રોજેક્ટ દ્વારા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ના એક વર્ષના સમયગાળા દરમિયાન ખેતી અને ખેડૂતોના વિકાસ અર્થે કુલ રૂપિયા ૬૦.૫૯ લાખના ખર્ચે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે.

આત્મા પ્રોજેક્ટ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી અવગત કરવા માટે જિલ્લા અને રાજ્ય સ્તરે વ્યાપક તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આત્મા દ્વારા અંદાજિત રૂપિયા પાંચ લાખથી વધુના ખર્ચે ૧૧૫૦ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે. જેમાં રાજ્યની અંદર ૬૬૪ ખેડૂતોને તથા જિલ્લાની અંદર (નોન-રેસિડેન્શિયલ) તાલીમ હેઠળ કુલ ૪૮૬ ખેડૂતોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેડૂતો પ્રત્યક્ષ જોઈને નવું જ્ઞાન સ્વીકારે તે હેતુથી જિલ્લામાં વિવિધ પ્રાયોગિક નિદર્શનો પણ ગોઠવવામાં આવ્યા હતા.

વર્ષ દરમિયાન ખેડૂતો નવીનતમ કૃષિ મોડલ અને સફળ ખેતી પદ્ધતિઓ નિહાળી અને સમજી શકે તે માટે જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા વિવિધ પ્રેરણા પ્રવાસો યોજવામાં આવ્યા હતા. કુલ રૂપિયા ૬.૬૪ લાખના ખર્ચે ૧૮૬૫ ખેડૂતો આ પ્રેરણા પ્રવાસથી લાભાન્વિત થયા છે. જે પૈકી ‘જિલ્લાની અંદર પ્રેરણા પ્રવાસ’ અંતર્ગત ૯૦૧ ખેડૂતોને વિવિધ આધુનિક ફાર્મની મુલાકાત કરાવવામાં આવી છે, જ્યારે રાજ્યની અંદર અન્ય પ્રગતિશીલ વિસ્તારોના પ્રવાસનો ૯૬૪ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે.  ખેડૂતો સ્વયં આત્મનિર્ભર બને તે માટે મહિલા અને પુરૂષ ખેડૂતોના જૂથો બનાવવા ઉપર તેમજ ખેડૂત કેપેસીટી બિલ્ડીંગ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ ‘બેસ્ટ ફાર્મર આત્મા એવોર્ડ’ અંતર્ગત કૃષિ ક્ષેત્રે સરાહનીય કામગીરી કરનારા ૧૬ પ્રગતિશીલ ખેડૂતોને પુરસ્કાર એનાયત કરી પ્રોત્સાહિત કરવામા આવ્યા છે.

આત્મા દ્વારા જિલ્લા કક્ષાએ ‘ફાર્મર સાયન્ટિસ્ટ ઇન્ટરરેક્શન’ એટલે કે ખેડૂત અને વૈજ્ઞાનિક વચ્ચે સીધો સંવાદના ૦૨ કાર્યક્રમો યોજવામા આવ્યા હતા તે ઉપરાંત નવીન પ્રયોગોના આદાન-પ્રદાન માટે જિલ્લામાં ૧૬ જેટલી ‘કિસાન ગોષ્ઠી’ યોજીને ખેડૂતોની સમસ્યાઓનું સ્થળ પર જ નિવારણ કરવામાં આવ્યું હતુ. તેમજ ખેડૂતો પ્રાયોગિક ધોરણે વાવેતર શીખી શકે તે માટે જિલ્લામાં રૂપિયા ૪.૪૬ લાખના ખર્ચે ૨૨ ખેતર શાળા (ફાર્મ સ્કૂલ) સક્રિય કરવામા આવી છે.

નોંધનિય છે કે, આત્મા (ATMA) એ ભારત સરકારનો એક દેશવ્યાપી (કેન્દ્ર પુરસ્કૃત) પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેડૂતો માટે તાલીમ, કૃષિ મેળાઓ, પ્રદર્શન અને પ્રેરણા પ્રવાસ જેવી પ્રવૃત્તિઓ દ્વારા જગતનો તાત આધુનિક ખેતી તરફ વળે, પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટેના સંનિષ્ડ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જે પૈકી આણંદ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા પણ ખેડૂતો સુધી પહોંચીને રાજય સરકારની કૃષિ વિકાસ અને ખેડૂત કલ્યાણની વિભાવના સાચા અર્થમાં ચરિતાર્થ થાય તે માટે કટીબધ્ધ બની કાર્ય કરવામાં આવી રહ્યુ છે. જે આગામી સમયમાં જિલ્લાના અન્ય ખેડૂતો માટે પથદર્શક અને સહાયરૂપ પુરવાર થશે.