રાષ્ટ્રીય વસ્તી ગણતરી – ૨૦૨૭
Publish Date : 26/05/2026
દેશની પ્રથમ ડિજિટલ ‘સ્વ-ગણતરી’ પ્રક્રિયા અન્વયે આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૬,૬૩૬ પરિવારોએ ડિજિટલ પોર્ટલ પર નોંધણી કરાવી
જિલ્લાવાસીઓને તારીખ ૩૧ મે સુધીમાં સ્વ ગણતરી પોર્ટલ દ્વારા જાતે વિગતો ભરવા વહીવટી તંત્રની અપીલ
આણંદ, સોમવાર , મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય સ્તરે અત્યંત મહત્વપૂર્ણ એવી ‘જનગણના ૨૦૨૭’ અંતર્ગત શરૂ કરાયેલી ‘સ્વ-ગણતરી’ (Self Enumeration) પ્રક્રિયાનો રાજ્ય વ્યાપી ડિજિટલ પ્રારંભ કરાવ્યો છે. આ ઐતિહાસિક પહેલના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રીએ વસ્તી ગણતરીના સત્તાવાર ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાના પરિવારની તમામ વિગતો ઓનલાઈન ભરીને રાજ્યમાં આ પ્રક્રિયાની ઔપચારિક શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે તેમણે રાજ્યના તમામ નાગરિકોને આ મહા-કવાયતમાં સક્રિયપણે જોડાઈને એક સશક્ત, સમાવિષ્ટ અને વિકસિત ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
ભારતની આ સર્વપ્રથમ સંપૂર્ણ ડિજિટલ જનગણના ૨૦૨૭ અત્યાધુનિક પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન આધારિત ટેકનોલોજીના માધ્યમથી હાથ ધરવામાં આવી રહી છે. આ નવતર પ્રક્રિયા અંતર્ગત નાગરિકો આગામી તા. ૩૧-૦૫-૨૦૨૬ સુધીમાં કોઈપણ સમયે અને કોઈપણ સ્થળેથી પોતાની અને પોતાના પરિવારની જરૂરી વિગતો સુરક્ષિત રીતે ઓનલાઇન ભરીને આ રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી થઈ શકશે. સ્વ-ગણતરીની આ પદ્ધતિ અત્યંત સરળ, ઝડપી અને નાગરિક-કેન્દ્રી ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેનાથી સમયની બચત સાથે સમયસર સચોટ માહિતી પ્રાપ્ત કરી શકાશે. નાગરિકો વસ્તી ગણતરીના સત્તાવાર પોર્ટલ https://se.census.gov.in/ પર જઈને દર્શાવેલા સરળ માર્ગદર્શન અનુસાર પોતાની સ્વ-ગણતરીની પ્રક્રિયા ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકે છે. આ ડિજિટલ જનગણના અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાએ વહીવટી તંત્રના સુવ્યવસ્થિત આયોજન અને નાગરિકોની જાગૃતતાના બળે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તારીખ ૨૫ મે , ૨૦૨૬ સુધીની વિગતો સાથે જાહેર થયેલા અદ્યતન અહેવાલ અનુસાર, આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૬,૬૩૬ પરિવારોએ ડિજિટલ પોર્ટલ પર નોંધણી કરાવી છે, જેમાંથી ૧૫,૧૮૫ પરિવારોએ સફળતાપૂર્વક પોતાની સ્વ-ગણતરી (SE Completed) પૂર્ણ કરી લીધી છે. આણંદ જિલ્લાના તમામ બાકી રહી ગયેલા નાગરિકોને દેશના ભવિષ્ય અને વિકાસાત્મક આયોજન માટે અત્યંત મહત્વની એવી આ પ્રક્રિયાની આખરી તારીખ ૩૧ મે, ૨૦૨૬ ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય, ત્યારે તમામ નાગરિકો સત્વરે ઓનલાઈન પોર્ટલ પર જઈ પોતાની સાચી, સચોટ અને સંપૂર્ણ માહિતી આપીને જનગણના ૨૦૨૭ માં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.