Close

પ્રાકૃતિક ખેતીના કેન્દ્ર સ્થાને રહી મુખ્ય આધાર બનતા જમીનમાં રહેલા અળસિયા

Publish Date : 25/05/2026

અળસિયા છોડના સર્વાંગી વિકાસ માટે જરૂરી અનેક પોષક તત્વો અને હોર્મોન્સ કુદરતી રીતે પૂરા પાડે છે

જમીનનું સ્વાસ્થ્ય સુધારીને ખેતીનો ખર્ચ શૂન્ય તરફ લઈ જતા જગતના તાતના ‘સાચા મિત્ર’ એટલે અળસિયા

આણંદ, શુક્રવાર , આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનું અભિયાન ખૂબ જ ઝડપભેર આગળ વધી રહ્યું છે. ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બને, ખુશહાલ રહે અને તેમની આવકમાં નોંધપાત્ર વધારો થાય તે દિશામાં સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના સતત માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશ હેઠળ આજે રાજ્યના ખૂણે-ખૂણે સુધી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ સફળતાપૂર્વક પહોંચી છે. આ કુદરતી ખેતીના કેન્દ્ર સ્થાને જો કોઈ મુખ્ય આધાર હોય, તો તે જમીનમાં રહેલા અળસિયા છે.

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં દેશી અળસિયાઓની ભૂમિકા અત્યંત ગૌરવપૂર્ણ અને મહત્વની છે. અળસિયા માત્ર જમીનમાં નાઇટ્રોજનનું સ્થાયીકરણ જ નથી કરતા, પરંતુ જમીનના ભૌતિક ગુણધર્મોમાં પણ આમૂલ પરિવર્તન લાવી સુધારો કરે છે. રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા ખૂબ વધારે જોવા મળે છે. જ્યારે ખેતરમાં દેશી ગાયના છાણ(ગોબર) અને ગૌમૂત્રમાંથી બનાવેલા ‘જીવામૃત’નો ઉપયોગ થાય છે, ત્યારે તેની સુગંધથી આકર્ષાઈને અળસિયાઓ કુદરતી રીતે જાગૃત થાય છે. આ અનુકૂળ વાતાવરણને કારણે તેમની સંખ્યામાં અનેકગણો વધારો થાય છે.

પ્રાકૃતિક કૃષિમાં ખેડૂતો માટે અળસિયા કુદરતી વોટર હાર્વેસ્ટિંગનું અદભુત કામ કરે છે. એક એકર જમીનમાં લાખોની સંખ્યામાં અળસિયા દિવસ-રાત અવિરત કામ કરે છે. અળસિયા નીચેની માટીને ઉપર લાવે છે, જેનાથી જમીન એકદમ મુલાયમ બને છે અને જમીનના પેટાળમાં રહેલા પોષક ખનીજ તત્વો વનસ્પતિને સરળતાથી મળી રહે છે. આ પ્રક્રિયા દરમિયાન જમીનમાં લાખો છિદ્રો તૈયાર થાય છે, જેના લીધે વરસાદનું બધું જ પાણી સીધું ધરતીના પેટાણમાં ઉતરી જાય છે. આમ, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી અળસિયાની ગતિવિધિઓમાં આશ્ચર્યજનક વેગ આવે છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો વર્ષની શરૂઆતમાં જો એક હેક્ટરમાં માત્ર એક હજાર અળસિયા હોય, તો અનુકૂળ વાતાવરણ મળતાં વર્ષના અંતે તેની સંખ્યા વધીને ૮ લાખ જેટલી થઈ જાય છે. અળસિયા દિવસમાં ૭ થી ૮ વખત જમીનમાં ઉપર-નીચે અવરજવર કરે છે. આ સતત ગતિવિધિથી જમીનમાં ઉત્તમ વાયુસંચાર થાય છે અને પાણીનું વ્યવસ્થાપન આપોઆપ થઈ જાય છે.

ભારતીય દેશી અળસિયા માટી અને ગોબર બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેઓ જે માટી ખાય છે તેને પોતાના શરીરમાં પ્રક્રિયા કરી ‘હગાર’ સ્વરૂપે બહાર કાઢે છે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે સામાન્ય માટીની સરખામણીમાં અળસિયાની હગારમાં વનસ્પતિ માટે લભ્ય સ્વરૂપમાં પોષક તત્વોનું પ્રમાણ અનેકગણું વધારે હોય છે. આમ, અળસિયાની આ અવિરત કામગીરીને કારણે જમીન આપોઆપ પોચી અને ફળદ્રુપ બને છે, જેથી ખેડૂતોને જમીન ખેડવાની જરૂર જ રહેતી નથી. તે છોડના સર્વાંગી વિકાસ અને વૃદ્ધિ માટે જરૂરી એવા અનેક પોષક તત્વો અને હોર્મોન્સ કુદરતી રીતે પૂરા પાડે છે. જમીનનું સ્વાસ્થ્ય સુધારીને ખેતીનો ખર્ચ શૂન્ય તરફ લઈ જતા અળસિયા ખરેખર જગતના તાતના ‘સાચા મિત્ર’ સાબિત થયા છે.

 

 

 

પ્રાકૃતિક ખેતીના કેન્દ્ર સ્થાને રહી મુખ્ય આધાર બનતા જમીનમાં રહેલા અળસિયા