Close

વાસદની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ) ખાતે પ્રવેશસત્ર-૨૦૨૬ માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ

Publish Date : 22/05/2026

ઇચ્છુક વિદ્યાર્થીઓ તારીખ ૨૩ જૂન સુધીમાં ઓનલાઇન પોર્ટલ પર જઈ પ્રવેશફોર્મ ભરી શકશે

આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના વાસદમાં પાયલ સિનેમાની પાછળ આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), વાસદ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ના પ્રવેશસત્ર માટેના ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સંસ્થાના વિવિધ કોર્સોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં ઓનલાઇન પોર્ટલ itiadmission.gujarat.gov.in વેબસાઇટ પર જઈને પોતાનું ફોર્મ ભરવાનું રહેશે.

પ્રવેશ પ્રક્રિયાના નિયમો અનુસાર, ઉમેદવારે ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ પોતાના તમામ અસલ દસ્તાવેજોની ચકાસણી માટે નજીકની કોઈપણ સરકારી ITI ખાતે રૂબરૂ જવાનું રહેશે. દસ્તાવેજ ચકાસણી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, રૂ. ૫૦/- ની ઓનલાઇન રજીસ્ટ્રેશન ફી ભરીને પોતાનું પ્રવેશફોર્મ રજીસ્ટર (કન્ફર્મ) કરાવવાનું રહેશે.

આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ ઉમેદવારો પોતાની પસંદગીના અભ્યાસક્રમ અને સંસ્થા(iti) માટે ઓનલાઇન ચોઈસ ફીલિંગ કરવાની રહેશે. પ્રથમ રાઉન્ડ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૩/૦૬/૨૦૨૬ નક્કી કરવામાં આવી છે.

વધુમાં, આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓની સુવિધા માટે જિલ્લાની તમામ સરકારી ITI ખાતે ખાસ ‘Admission Helpdesk’ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં ઉમેદવારો કોઈપણ ચાર્જ ચૂકવ્યા વિના તદ્દન વિનામૂલ્યે પોતાનું પ્રવેશફોર્મ ભરાવી શકે તેવી ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આથી, ITI માં પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ ઉમેદવારોને સમય મર્યાદામાં આ સુવિધાનો મહત્તમ લાભ લઈ પોતાની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા આઇ.ટી.આઇ. વાસદના આચાર્યશ્રી દ્વારા એક યાદીમાં  જણાવાયું છે.