Close

PMFME યોજના અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજાઈ

Publish Date : 21/05/2026

આણંદ જિલ્લામાં કુલ ૦૬ ઉદ્યોગ સાહસિકોના પ્રોજેક્ટને મંજુરી આપવામાં આવી

આણંદ, બુધવાર , આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને Ministry of Food Processing Industries (MOFPI) અંતર્ગત ચાલતી પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ (PMFME) યોજના અંતર્ગત આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્તરીય સમિતિની બેઠક યોજાઈ હતી. વડાપ્રધાનશ્રીના ઈંધણ બચાવવાના આહવાનના પગલે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠક વર્ચ્યુઅલ (ઓનલાઇન) માધ્યમથી યોજાઈ હતી જેમાં આણંદ જિલ્લાના કુલ ૦૬ પ્રોજેક્ટને મંજુર કરવામાં આવ્યા હતા.

આ યોજના અંતર્ગત અનાજ પ્રોસેસિંગ (ઘઉં, ચોખા, કઠોળ, જુવાર, મકાઈ વગેરે), ડેરી પ્રોસેસિંગ, ફળો અને શાકભાજી પ્રોસેસિંગ, બેકરી અને મિષ્ઠાન ઉત્પાદનો, મસાલા અને રોપણી પાક પ્રોસેસિંગ, ચરબી અને તેલબીયા પ્રોસેસિંગ, માંસ અને મરીન ઉત્પાદનો પ્રોસેસિંગ, પશુ દાણ, મરઘા દાણ અને લઘુવન ઉત્પન્ન જેવા તમામ એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સનો સમાવેશ થાય છે. આ યોજનામાં ૩૫ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૧૦ લાખ સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.

બેઠકમાં મંજૂર થયેલા પ્રોજેક્ટ્સમાં રેડી ટુ ઈટ સ્નેક, પાપડ, મસાલા આધારિત પ્રોડક્ટ અને સુગર ફ્રી પાઉડર મેન્યુફેક્ચરિંગ જેવા વિવિધ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીએ તમામ લાભાર્થીઓ તેમજ આણંદ જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ કરતા અથવા કરવા માંગતા લાભાર્થીઓને આ યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ વર્ચ્યુઅલ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી, નાયબ બાગાયત નિયામકશ્રી ડો. સ્મિતા પિલ્લઈ અને જિલ્લા કક્ષાની સમિતિના સભ્યો તેમજ સંલગ્ન ફાઈલના ડી.આર.પી અને લાભાર્થીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ ડિજિટલ સંવાદ સાધ્યો હતો.

આ યોજનાનો લાભ લેવા માંગતા અને વધુ જાણકારી મેળવવા આણંદની બોરસદ ચોકડી પાસે સ્થિત જિલ્લા સેવા સદનના ચોથો માળે રૂમ નંબર ૪૨૭-૪૨૯માં આવેલ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીનો રૂબરૂ અથવા કચેરીના ફોન નંબર ૦૨૬૯૨-૨૬૨૦૨૩ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

PMFME યોજના અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજાઈ

PMFME યોજના અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજાઈ

PMFME યોજના અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજાઈ