આણંદ જિલ્લાના વીજ ગ્રાહકો માટે સ્માર્ટ મીટર આશીર્વાદ સમાન
Publish Date : 01/05/2026
નવા GERC ટેરિફ મુજબ ગ્રાહકોને મળશે ૩% સીધું વળતર અને વીજ બિલમાં મોટી રાહત
આણંદ જિલ્લાના તમામ ગ્રાહકો કોઈ પણ ગેરસમજ કે અફવાઓથી દૂર રહી, MGVCL ના ટેકનિશિયનોને સહકાર આપવા વિનંતી
આણંદ, ગુરૂવાર, રાજ્ય સરકાર અને ગુજરાત વીજ નિયમનકારી આયોગ (GERC) દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે જાહેર કરવામાં આવેલા નવા વીજ ટેરિફમાં સ્માર્ટ મીટરનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે વિશેષ પ્રોત્સાહક યોજનાઓ જાહેર કરવામાં આવી છે.
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ આણંદના સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યુ છે કે આણંદ જિલ્લામાં ચાલી રહેલી સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા ગ્રાહકોના હિતમાં છે અને તેનાથી વીજ બિલમાં પારદર્શિતા અને બચત બંને વધશે.
સ્માર્ટ મીટરના મુખ્ય ફાયદાઓ અને નવી રાહતો:
પ્રી-પેડ સ્માર્ટ મીટર પર ૩% વળતર (Rebate):
નવા ટેરિફ મુજબ, જે ગ્રાહકો પ્રી-પેડ સ્માર્ટ મીટરનો ઉપયોગ કરશે, તેમને એનર્જી ચાર્જ પર ૩% સીધું વળતર આપવામાં આવશે. અગાઉ આ વળતર ૨% હતું, જે હવે વધારી દેવામાં આવ્યું છે. આનાથી ગ્રાહકોના માસિક બિલમાં સીધી બચત થશે.
‘ટાઇમ ઓફ યુઝ’ (ToU) ડિસ્કાઉન્ટનો વ્યાપ વધ્યો:
હવે માત્ર પ્રી-પેડ જ નહીં, પણ પોસ્ટ-પેડ સ્માર્ટ મીટર ધરાવતા રહેણાંક (RGP) ગ્રાહકો પણ ‘ટાઇમ ઓફ યુઝ’ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકશે. બપોરે ૧૧:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી (કુલ ૬ કલાક) વીજળી વાપરવા પર યુનિટ દીઠ ૬૦ પૈસાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સોલર પાવરના મહત્તમ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે છે.
વાસ્તવિક વપરાશ મુજબ બિલિંગ:
સ્માર્ટ મીટર દ્વારા રીયલ-ટાઇમ ડેટા મળતો હોવાથી માનવીય ભૂલ (Manual Reading Error) ની શક્યતા રહેતી નથી. ગ્રાહક પોતાના મોબાઈલ એપ દ્વારા દર કલાકે કેટલો વપરાશ થયો તે જોઈ શકશે, જેનાથી વીજળીનો બગાડ અટકાવી શકાશે.
કોઈ વધારાનો બોજ નહીં:
સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવા માટે ગ્રાહકોએ કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાનો નથી. ગ્રાહકો ગમે ત્યારે પોતાના મોબાઈલ એપ, સ્માર્ટ મિટર પોર્ટલ અથવા એમ.જી.વી. સી. એલ વેબસાઈટ થકી રીચાર્જ કરી શકે છે.
મોબાઈલ એપ દ્વારા મોનિટરિંગ:
ગ્રાહકો ‘MGVCL સ્માર્ટ મીટર એપ’ દ્વારા પોતાનો દૈનિક વીજ વપરાશ જોઈ શકશે જેથી ગ્રાહક પોતાના વીજ વપરાશ અને તે થકી ખર્ચ પર નિયંત્રણ રાખી શકશે.
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા આણંદ જિલ્લાના તમામ ગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે કે CEA ના ૧ એપ્રિલ ૨૦૨૬ ના નોટિફિકેશન મુજબ આ મીટર બદલવા તે કાયદાકીય પ્રક્રિયા છે. આણંદ જિલ્લાના તમામ ગ્રાહકો કોઈ પણ ગેરસમજ કે અફવાઓથી દૂર રહી, MGVCL ના ટેકનિશિયનોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
સ્માર્ટ મીટર એ ભવિષ્યની ટેકનોલોજી છે જે પારદર્શિતા લાવશે અને વીજ બિલમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં મદદરૂપ બનશે તેમ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ આણંદના સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યુ છે.