Close

હીટવેવ દરમિયાન થતી બીમારીઓ અને તેનાથી બચવા માટેના જરૂરી ઉપાયો

Publish Date : 24/04/2026

આણંદ, મંગળવાર ,વર્તમાનમાં વધી રહેલા તાપમાન અને હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને આણંદ આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને ગરમીના કારણે થતી વિવિધ બીમારીઓ પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે. હીટવેવના કારણે મુખ્યત્વે ચાર પ્રકારની શારીરિક સમસ્યાઓ જોવા મળી શકે છે.

હીટ રેશ (અળાઈઓ): ગરમીના કારણે શરીર પર લાલ કલરની નાની ફોલ્લીઓ થવી, શરીર ગરમ રહેવું અને માથું દુખવું એ હીટ રેશના મુખ્ય લક્ષણો છે. આ સ્થિતિમાં ઠંડા પાણી અને સાબુથી સ્નાન કરવું જોઈએ તથા શરીર ઠંડુ રહે તેવા ઉપાયો કરવા જોઈએ. જો ફોલ્લીઓમાં ઇન્ફેક્શન જણાય તો એન્ટીસેપ્ટીક દવાનો ઉપયોગ કરવો અને હળવા સુતરાઉ કપડાં પહેરવા હિતાવહ છે.

હીટ ક્રેમ્પ્સ (સ્નાયુઓમાં ખેંચાણ): વધુ પડતા પરસેવાના કારણે શરીરના સ્નાયુઓમાં, ખાસ કરીને પગના સ્નાયુઓમાં દુખાવો અને ખેંચાણ અનુભવાય છે. આવી સ્થિતિમાં દર્દીને તાત્કાલિક ઠંડી જગ્યાએ સુવડાવી દેવો જોઈએ. જે સ્નાયુઓમાં ખેંચાણ હોય ત્યાં હળવું દબાણ આપી મસાજ કરવો અને દર્દીને પુષ્કળ પ્રમાણમાં પાણી આપવું જરૂરી છે.

હીટ એક્ઝોસ્ટન (ગરમીથી થાક): ખાસ કરીને શારીરિક શ્રમ કરતા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. જેમાં ખૂબ પરસેવો થવો, નબળાઈ લાગવી, શરીર ઠંડુ પડી જવું, નાડીના ધબકારા ધીમા પડે, ચક્કર આવવા અને ઉલ્ટી થવી જેવા લક્ષણો જણાય છે. આવી સ્થિતિમાં દર્દીના કપડાં ઢીલા કરી તેને એસી કે પંખા નીચે ઠંડી જગ્યાએ સુવડાવવો જોઈએ. તેના શરીર પર ઠંડા પાણીના પોતા મૂકવા અને પીવા માટે પાણી આપવું. જો સ્થિતિ ગંભીર લાગે તો ‘૧૦૮’ મારફતે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવો.

હીટ સ્ટ્રોક (લૂ લાગવી): આ એક ગંભીર મેડિકલ ઇમરજન્સી છે. હીટ સ્ટ્રોકમાં શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે, ચામડી સૂકી પડી જાય છે, નાડીના ધબકારા વધી જાય છે અને દર્દી માનસિક સભાનતા ખોઈ શકે છે. આ સંજોગોમાં વિલંબ કર્યા વગર તુરંત ‘૧૦૮’ ને ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવવી જોઈએ. એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી દર્દીને ઠંડકવાળી જગ્યાએ રાખી શરીર પર ઠંડા પાણીના પોતા મૂકવા. ખાસ નોંધવું કે જો દર્દી બેભાન હોય તો તેને મોં વાટે કશું જ આપવાનો પ્રયત્ન કરવો નહી. આરોગ્ય વિભાગ દ્વારા જનતાને ગરમીના સીધા સંપર્કથી બચવા અને ઉપર મુજબના કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક યોગ્ય સારવાર લેવા જણાવાયું છે.