Close

સ્થાનિક સ્વરાજ્ય સામાન્ય ચૂંટણી-૨૦૨૬

Publish Date : 22/04/2026

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ ચૂંટણીલક્ષી કામગીરી અને પ્રક્રિયા અંગે વિસ્તૃત જાણકારી આપી

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી

સંપૂર્ણ ન્યાયપૂર્ણ વાતાવરણમાં અને સુચારૂ ઢબે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાય તે માટે  જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ

મતદાન કેન્દ્ર ખાતે પીવાનું પાણી, બેસવા માટે ખુરશીઓ, છાંયડો રહે તે માટે શેડની વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે તા.૨૬ એપ્રિલના રોજ સવારના ૦૭-૦૦ કલાકથી સાંજના ૦૬-૦૦ કલાક સુધી મતદાન કરી શકાશે

આણંદ, સોમવાર ,આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી માટે તા.૨૬ એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. જે મુજબ કરમસદ-આણંદ મહાનગરપાલિકા, ૬ નગરપાલિકાઓ જેવી કે ઉમરેઠ, બોરસદ, પેટલાદ, સોજીત્રા, ખંભાત અને તારાપુર તેમજ જિલ્લા પંચાયતની ૪૦ બેઠકો અને તાલુકા પંચાયતની ૧૯૨ બેઠકોની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જેના અનુસંધાનમાં જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ  જણાવ્યું હતું કે,મતદાનની પ્રક્રિયા સુગમ બની રહે અને શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન અને દેખરેખ માટે કરમસદ આણંદ મહાનગરપાલિકા માટે ૦૩, નગરપાલિકા માટે ૦૩, જિલ્લા પંચાયત માટે ૦૮ અને તાલુકા પંચાયત માટે ૧૬ RO-ARO ની નિમણૂક કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારી ફોર્મની ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયાના અંતે અનેક બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેમાં કરમસદ-આણંદ મહાનગરપાલિકા ૧૩ વોર્ડ પૈકી વોર્ડ નં. ૬ સંપૂર્ણ બિનહરીફ થયો છે, જ્યારે અન્ય વોર્ડની બેઠકો મળી કુલ ૧૨ બેઠકો બિનહરીફ જાહેર થતા હવે ત્યાં ૧૦૦ હરીફ ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે નગરપાલિકાઓની વાત કરીએ તો પેટલાદમાં વોર્ડ નં. ૩ સંપૂર્ણ બિનહરીફ થયો છે, ઉપરાંત ઉમરેઠ અને બોરસદ સહિત અન્ય નગરપાલિકાઓમાં મળી કુલ ૧૨ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ઉમરેઠમાં ૬૪, બોરસદમાં ૯૮, પેટલાદમાં ૫૬, સોજીત્રામાં ૫૩, ખંભાતમાં ૮૮ અને તારાપુરમાં ૫૬ મળી નગરપાલિકા વિસ્તારમાં કુલ ૪૧૫ હરીફ ઉમેદવારો ચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું. જિલ્લા પંચાયતમાં ચિખોદરા, પાળજ અને વણસોલ બેઠકો બિનહરીફ થતા ૯૮ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે તેમ જણાવી તાલુકા પંચાયતમાં ૧૨ બેઠકો બિનહરીફ જાહેર થતા આણંદ, ઉમરેઠ, બોરસદ, આંકલાવ, પેટલાદ, સોજીત્રા, ખંભાત અને તારાપુર તાલુકાઓમાં મળી કુલ ૪૨૭ બેઠકો પર મતદાન થશે તેમ વધુમાં તેમણે જણાવ્યું હતુ.   શ્રી પ્રવીણ ચૌધરીએ ચૂંટણી માટેના આંકડાકીય અને તકનીકી આયોજન વિશે જણાવ્યું હતું કે કરમસદ આણંદ મહાનગરપાલિકા અને નગરપાલિકા માટે ૫૧૫ સી.યુ. અને ૯૮૩ બી.યુ. મલ્ટીચોઇસ EVM તેમજ જિલ્લા-તાલુકા પંચાયત માટે ૨૮૬૯ સી.યુ. અને ૨૮૬૯ બી.યુ. સીંગલચોઇસ EVM ફાળવવામાં આવ્યા છે. તેમણે મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ૨,૧૧,૮૭૭ મતદારો, નગરપાલિકાઓમાં ૨,૦૨,૪૦૮ અને જિલ્લા-તાલુકા પંચાયત સ્તરે ૧૧,૧૭,૯૬૦ મતદારો નોંધાયેલા છે તેમ જણાવી મતદાન માટે જિલ્લામાં કુલ ૧૭૦૦ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જેમાંથી કરમસદ આણંદ મહાનગરપાલિકામાં ૨૦૬, નગરપાલિકામાં ૨૦૪ અને પંચાયતો માટે ૧૨૯૦ મથકોનો સમાવેશ થતા હોવાનું જણાવ્યું હતું.

તેમણે સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે કુલ ૪૦૦ સંવેદનશીલ અને ૭૧ અતિસંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરવામાં આવી છે, જેમાં કરમસદ આણંદ મહાનગરપાલિકામાં  ૪૯ સંવેદનશીલ અને ૨ અતિસંવેદનશીલ, નગરપાલિકામાં ૫૫ સંવેદનશીલ અને ૧૬ અતિસંવેદનશીલ તેમજ પંચાયતોમાં ૨૯૬ સંવેદનશીલ અને ૫૩ અતિસંવેદનશીલ મથકોનો સમાવેશ થાય છે તેમ ઉમેર્યું હતું.

તેમજ આ સમગ્ર મહાકુંભને પાર પાડવા માટે આશરે ૧૦,૦૦૦ મતદાન સ્ટાફ કાર્યરત રહેશે તેમ જણાવી તેમણે તા. ૨૩/૦૪/૨૦૨૬ના રોજ ૧૧૧-ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર હોવાથી અને ત્યારબાદ તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, જે માટે રાજ્ય ચૂંટણી આયોગની સૂચના મુજબ ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં આવતા આણંદ તાલુકાના ગામો, ઉમરેઠ તાલુકા અને ઉમરેઠ નગરપાલિકાના મતદારોના ડાબા હાથની તર્જની પર વિધાનસભાની ચૂંટણીની શાહી હોઈ શકે છે, તેથી આ મતદારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે ડાબા હાથની વચલી આંગળી પર અવિલોપ્ય શાહી લગાવવાની રહેશે તેવી જાણકારીથી પત્રકારોને માહિતગાર કર્યા હતા.

આ તકે નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિતાબેન લાછુન સહિત સબંધિત વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

સ્થાનિક સ્વરાજ્ય સામાન્ય ચૂંટણી-૨૦૨૬

સ્થાનિક સ્વરાજ્ય સામાન્ય ચૂંટણી-૨૦૨૬

સ્થાનિક સ્વરાજ્ય સામાન્ય ચૂંટણી-૨૦૨૬

સ્થાનિક સ્વરાજ્ય સામાન્ય ચૂંટણી-૨૦૨૬

સ્થાનિક સ્વરાજ્ય સામાન્ય ચૂંટણી-૨૦૨૬

સ્થાનિક સ્વરાજ્ય સામાન્ય ચૂંટણી-૨૦૨૬

સ્થાનિક સ્વરાજ્ય સામાન્ય ચૂંટણી-૨૦૨૬

સ્થાનિક સ્વરાજ્ય સામાન્ય ચૂંટણી-૨૦૨૬

સ્થાનિક સ્વરાજ્ય સામાન્ય ચૂંટણી-૨૦૨૬