ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં તા. ૨૩ એપ્રિલે મતદાનના દિવસે જાહેર રજા રહેશે
Publish Date : 18/04/2026
આણંદ, શુક્રવાર , ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની આગામી તા. ૨૩ એપ્રિલના રોજ પેટા-ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીને ધ્યાને રાખીને ઉમરેઠ મતવિસ્તારના કર્મચારીઓ કોઈપણ અવરોધ વગર લોકશાહીના પર્વમાં સહભાગી થઈ મતદાન કરી શકે તે માટે મતદાનના દિવસ એટલે કે, ૨૩ એપ્રિલના રોજ રજા જાહેર કરવામાં આવી છે તેમ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે.
વધુમાં મતવિભાગમાં રહેતા અને મતાધિકાર ધરાવતા મતદારોની કચેરી અથવા કામનું સ્થળ તે વિસ્તારની બહાર હોય તેવા કિસ્સામાં આ જાહેર રજા તેમને સીધી રીતે લાગુ પડતી નથી. આથી, દરેક મતદાર પોતાના મતાધિકારનો પવિત્ર ઉપયોગ કરી શકે તે હેતુથી સરકાર દ્વારા ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.
જે સરકારી, પંચાયત અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કર્મચારીઓ ઉમરેઠ મતવિભાગમાં મતાધિકાર ધરાવે છે પરંતુ તેમની કચેરી વિસ્તારની બહાર છે, તેઓ લેખિતમાં માંગણી કરે તો તેમને કચેરીમાં મોડા આવવાની અથવા વહેલા કચેરી છોડી જવાની પરવાનગી આપવા જણાવવામાં આવ્યું છે. જો કોઈ સંજોગોમાં આ વિકલ્પ શક્ય ન હોય, તો આવા કર્મચારીઓને મતદાન માટે અડધા દિવસની ખાસ પરચૂરણ રજા મંજૂર કરવાની પણ સૂચના આપવામાં આવી છે.