તા. ૨૬ એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન માટે આવનાર ૧૧૧ – ઉમરેઠ મતદાર વિભાગના મતદારો માટે અવિલોપ્ય શાહીની નિશાની કરવા અંગે માર્ગદર્શિકા જાહેર
Publish Date : 13/04/2026
આણંદ, શુક્રવાર , રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની નગરપાલિકા/મહાનગરપાલિકા/જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય/પેટા ચૂંટણી યોજવા તા.૦૧-૦૪-૨૦૨૬ના રોજ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત નગરપાલિકા (ની ચૂંટણી કરવા) બાબતના નિયમો, ૧૯૯૪ના નિયમ-૩૦ અને ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો-૧૯૯૪ના નિયમ-૩૮ની જોગવાઈ અનુસાર મતદાન સમયે મતદાન મથકો પર મતદાન કરવા આવતા મતદારના ડાબા હાથની તર્જની (forefinger) પર અવિલોપ્ય શાહીની નિશાની કરવાની રહે છે.
આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય પૂર્વે તા.૨૩-૦૪-૨૦૨૬ના રોજ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી યોજાનાર છે. આ પેટા ચૂંટણી દરમ્યાન મતદાન મથકે મતદારોને ડાબા હાથની તર્જની (forefinger) પર અવિલોપ્ય શાહીની નિશાની કરવામાં આવનાર હોય તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનાં દિવસ સુધી ભૂંસાયેલ ન હોવાની શક્યતાને ધ્યાને લઈ ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગ વિસ્તારના સ્થાનિક ચૂંટણી હેઠળના મતદાન મથકોએ તા. ૨૬, એપ્રિલના રોજ મતદાન કરવા જનાર મતદારોની આંગળીએ અવિલોપ્ય શાહિની નિશાની કરવા બાબતે રાજય ચૂંટણી આયોગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
જે મુજબ એપ્રિલ-૨૦૨૬ માં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગ વિસ્તારના સ્થાનિક ચૂંટણી હેઠળના મતદાન મથકોએ તા.૨૬-૦૪-૨૦૨૬ના રોજ ચૂંટણીમાં મતદારો મતદાન સમયે મતદાન મથકે મતદાન કરવા આવે ત્યારે તેમના ડાબા હાથની વચલી આંગળી (middle finger) પર અવિલોપ્ય શાહીની નિશાની કરવાની રહેશે. જો તે ડાબા હાથની વચલી આંગળી (middle finger) ન હોય તો ડાબા હાથની તર્જની આંગળી (forefinger) છોડીને, ગુજરાત નગરપાલિકા (ની ચૂંટણી કરવા) બાબતના નિયમો. ૧૯૯૪ના નિયમ-૩૦(૩) અને ખંડ (ખ) મુજબ અને ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો-૧૯૯૪ના નિયમ-૩૮(૩)ની જોગવાઈ મુજબ અવિલોપ્ય શાહીની નિશાની કરવાની રહેશે.
આ માર્ગદર્શક સૂચનાનો ચુસ્તપણે અમલ કરવા રાજય ચૂંટણી આયોગ દ્વારા જણાવાયું છે.