Close

આણંદ જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ

Publish Date : 13/04/2026

કુલ ૨૩૪ વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરી રૂપિયા ૧૦.૫૮ લાખથી વધુનો દંડ કરાયો

આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન તંત્રના મદદનીશ નિયંત્રકની એક યાદીમાં જણાવ્યા મુજબ કાનૂની માપ વિજ્ઞાન તંત્ર,આણંદ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લાના ગ્રાહકોના હિતાર્થે વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન તંત્ર દ્વારા જિલ્લાના કુલ ૭૪૮૭ એકમોના વજન અને માપના સાધનોની વિગતવાર ચકાસણી અને મુદ્રાંકન કરવામાં આવ્યું હતું, જેના થકી કુલ રૂ. ૬૨,૩૯,૯૦૫/- ની ચકાસણી ફિ વસૂલ કરવામાં આવી છે.

આ ઉપરાંત, જિલ્લાના આશરે ૧૨૩૧ વેપારી એકમોની ઓચિંતી મુલાકાત લઈ તપાસ હાથ ધરતા કુલ ૨૩૪ વેપારીઓ ‘ધી લિગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯’ ના કાયદા અને નિયમોનો ભંગ કરતા જણાયા હતા. આ એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરી કુલ રૂ. ૧૦,૫૮,૩૦૦/- નો દંડ વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં વજન-માપના સાધનોને લગતા ૨૦૨ કેસમાં રૂ. ૨,૦૪,૩૦૦/- માંડવાળ ફી અને પેકેજ્ડ કોમોડિટીને લગતા ૩૨ કેસમાં રૂ. ૫,૩૪,૦૦૦/- ની માંડવાળ ફી વસૂલવામાં આવી છે, જ્યારે ૨ એકમો સામે નામદાર કોર્ટ મારફત રૂ. ૩,૨૦,૦૦૦/- વસુલ કરવાની દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

તંત્રની આ તપાસમાં વજનમાં ઓછું આપવું, સાધનોનું સમયસર મુદ્રાંકન ન કરાવવું, પેકિંગ ઉપર છાપેલી કિંમતમાં છેકછાક કરવી, પેકિંગ આઈટમો માટે જરૂરી નોંધણી ન કરાવવી તેમજ ઈલેક્ટ્રોનિક વજન-કાંટો રાખતા વેપારીઓ દ્વારા ગ્રાહકોના સંતોષ માટે જરૂરી ટેસ્ટિંગ વજન ન રાખવા જેવી ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી.

વધુમાં આણંદ જિલ્લાના ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે જો તેમને કોઈ વેપારી દ્વારા આવી ગેરરીતિ થતી જણાય તો તેઓ તુરંત કચેરીના ઈ-મેઈલ આઈ.ડી. aclm-and@gujarat.gov.in અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૦૨૨૨, ૧૪૪૩૭ કે ૧૯૧૫ ઉપર અથવા કચેરીના સરનામે સંપર્ક કરી ફરિયાદ નોંધાવી શકે છે તેમ જણાવાયું છે.