111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
Publish Date : 25/03/2026
તારીખ 30 માર્ચ 2026, સોમવારના રોજ પેટા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે
2.42 લાખ ઉપરાંત મતદારો ઉમરેઠ વિધાનસભામાં મતદાન કરશે
કુલ 306 મતદાન મથકો ઉપર મતદાન યોજાશે
આણંદ, મંગળવાર ભારતના ચૂંટણી પંચ દ્વારા 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026 ની જાહેરાત કરવામાં આવી છે. 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી નું જાહેરનામું આગામી તારીખ 30 મી માર્ચ સોમવારના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 એપ્રિલ હશે અને તારીખ 23 એપ્રિલને ગુરુવારના રોજ મતદાન યોજાશે, ત્યારબાદ તારીખ 04 મે સોમવારના રોજ મત ગણતરી યોજાશે.
111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમરેઠ અને આણંદ 02 તાલુકાના કુલ 46 ગ્રામ પંચાયત અને 03 નગરપાલિકા નો સમાવેશ થાય છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે શ્રીમતી જે.એસ.પટેલ જિલ્લા પુરવઠા અધિકારી આણંદની નિમણૂક કરવામાં આવી છે અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ઉમરેઠના મામલતદાર શ્રી એન. પી. પારેખ અને આણંદ ગ્રામ્ય મામલતદાર શ્રી વી. કે.ગોહિલ ની મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા 19 જેટલા નોડલ ઓફિસર શ્રીઓની નિમણૂક કરવામાં આવી છે અને તમામ નોડલ અધિકારીઓને ચૂંટણીલક્ષી વિવિધ ફરજો સોંપવામાં આવી છે.
111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં 306 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે જે 213 બિલ્ડીંગ વખતે કાર્યરત છે. આ ચૂંટણીમાં 1,25,705 પુરુષ અને એક લાખ 1,17,128 મહિલા મતદારો તથા 03 અન્ય મતદારો મળીને કુલ 2,42,836 મતદારો તા. 17 ફેબ્રુઆરી 2026 ના રોજ જાહેર કરવામાં આવેલ મતદાર યાદીમાં નોંધાયા છે, જેમાં ઉમરેઠ વિધાનસભામાં 146 સર્વિસ વોટર્સ નો સમાવેશ થાય છે.
ઉમરેઠ વિધાનસભામાં નક્કી કરવામાં આવેલ 306 મતદાન મથકો પૈકી 68 મતદાન મથકો શહેરી વિસ્તારમાં અને 238 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. આ મતદાન મથકોમાં કુલ 213 બિલ્ડીંગ વખતે 306 મતદાન મથકો નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં એક મતદાન મથક હોય તેવા બિલ્ડિંગ 137, બે મતદાન મથક હોય તેવા બિલ્ડીંગ 59 અને ત્રણ મતદાન મથક હોય તેવા બિલ્ડીંગ 17 મળીને કુલ 213 બિલ્ડીંગ વખતે 306 મતદાન મથક નક્કી કરવામાં આવ્યા છે. આ 306 મતદાન મથકો ખાતે મતદાન યોજાશે. મતદાન મથક ની વાત કરીએ તો 03 મતદાન મથકો ખાતે 300 કરતા ઓછા મતદારો, 302 મતદાન મથકો ખાતે 1100 જેટલા મતદારો અને 01 મતદાન મથક ખાતે 1,200 જેટલા મતદારો નોંધાયા છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા આ ચૂંટણીમાં 02 સખી મતદાન મથકો એટલે કે મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથકો, 01 દિવ્યાંગ દ્વારા સંચાલિત મતદાન મથક, 02 યુવા અધિકારી/ કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક અને 05 મોડેલ મતદાન મથકો બનાવવામાં આવનાર છે.
111 ઉમરેઠ વિધાનસભા માટે 29 જેટલા રૂટ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 29 ઝોનલ ઓફિસર અને 29 મદદનીશ ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેનારા નોડલ અધિકારીશ્રીઓ, આદર્શ આચાર સંહિતાની ટીમ અને ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખનાર ટીમોને તાલીમ પૂર્ણ કરવામાં આવી છે.
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ફાળવવામાં આવનાર ઈવીએમ મશીનો માટે ડિસ્પેચિંગ અને રીસીવિંગ સેન્ટર ડી.એમ. પટેલ આર્ટસ કોલેજ અને એસ. એસ. પટેલ કોમર્સ કોલેજ, ઓડ ખાતે નક્કી કરવામાં આવ્યા છે.
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા સંબંધી કાર્યવાહી માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક કાચા ની નિમણૂક કરવામાં આવી છે, ચૂંટણીની આચાર સહિતા ભંગ થતો હોય તેની ફરિયાદો તેમને કરી શકાય છે. આ ઉપરાંત 1950 ટોલ ફ્રી નંબર અને હેલ્પલાઇન નંબર 1800 426 2560 ઉપર તથા cvgil એપ્લિકેશન ઉપર પણ આદર્શ આચારસિતા ભંગની ફરિયાદ કરી શકાય છે.
આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ખર્ચ સંબંધી મોનિટરિંગ માટે 01 મદદનીશ ખર્ચ નિરીક્ષક, 03 એફ એસ ટી ની ટીમ, 03 એસએસટીની ટીમ, 03 વીએસટીની ટીમ, 01 વી.વી.ટી. ટીમ અને 01 એકાઉન્ટિંગ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમો ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના લાલપુરા ચેકપોસ્ટ, ભાલેજના પણસોરા ચેક પોસ્ટ અને આણંદ ગ્રામ્યના ચિખોદરા ચોકડી ખાતેથી પસાર થતા વાહનોની અવરજવર ઉપર બારીકાઇ થી નજર રાખી રહી છે. લોકસભા 2019 ની ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભામાં 65.27 ટકા, વિધાનસભા 2022 માં 68.44% અને લોકસભા 2024 ની ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભામાં 63.14% મતદાન નોંધાયું હતું. આણંદ જિલ્લામાં 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આગામી 23મી એપ્રિલ 2026 ગુરૂવારના રોજ યોજાનાર છે, જેમાં ઉમરેઠ વિધાનસભાના નોંધાયેલા 2,42,836 મતદારો પૈકી વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીને જીવંત રાખવામાં પોતાનું યોગદાન આપે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા ઉમરેઠ વિધાનસભાના મતદારોને ખાસ અપીલ કરવામાં આવી છે.