Close

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી

Publish Date : 17/03/2026

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી

ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી આદર્શ આચાર સંહિતાનો ચૂસ્તપણે અમલ કરાશે

ઉમરેઠ વિધાનસભામાં કુલ ૨,૪૨,૮૩૬ મતદારો નોંધાયેલા છે

કુલ ૩૦૬ મતદાન મથકો પર મતદાન યોજાશે

વિધાનસભામાં ૧,૦૫,૯૯૦ પુરુષ મતદારો જ્યારે ૧,૦૦,૯૦૯ મહિલા મતદારો મત આપશે

ચુંટણી સબંધિત કોઈપણ પ્રકારની ફરિયાદ કરવા માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૪૨૫-૨૫૬૦ પર સંપર્ક કરી શકાશે_

આણંદ, સોમવાર: ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોની ખાલી પડેલી વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ઉમરેઠ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ રાઇજીભાઈ પરમારના અવસાનને કારણે ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. જે માટે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રિન્ટ/ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ સાથે આણંદ કલેકટર કચેરીના સભાખંડ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

આ પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતુ કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યની ખાલી પડેલી વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર તા. ૨૩/૦૪/૨૦૨૬ ના રોજ ઉમરેઠ વિધાનસભાની બેઠક માટે  મતદાન યોજાશે. આ ચૂંટણી મુકત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું સબંધિત વિધાનસભા વિસ્તારમાં ચૂસ્તપણે પાલન કરવામાં આવશે તેમજ સંપૂર્ણ પારદર્શકતા સાથે ચૂંટણી પ્રક્રિયા યોજાશે.

ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આચાર સંહિતા અમલી બનતા જ સબંધિત વિધાનસભા વિસ્તારમાં વિવિધ સ્થળે લગાવેલ રાજકીય પક્ષોના બેનર/હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમણે મતદારોની વિગતો આપતા જણાવ્યું હતુ કે, ઉમરેઠ વિધાનસભામાં કુલ ૨,૪૨,૮૩૬ મતદારો નોંધાયેલા છે તે પૈકી ૧,૦૫,૯૯૦ પુરુષ મતદારો તેમજ ૧,૦૦,૯૦૯ મહિલા મતદારો નોંધાયા છે.

તેમણે વધુમાં કહયું હતું કે, પેટા ચૂંટણી માટે કુલ ૩૦૬ મતદાન મથકો રાખવામાં આવ્યા છે. આ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શક અને વિશ્વસનીય મતદાન સુનિશ્ચિત થઈ શકે તેથી તમામ મતદાન મથકો પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન EVM અને VVPAT નો ઉપયોગ કરવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી સબંધિત અન્ય જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, આ પ્રક્રિયામાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ માટે નોડલ અધિકારી તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(મહેકમ) ની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે વિધાનસભા મતવિસ્તાર માટે કુલ ત્રણ એફ.એસ.ટી., એસ.એસ.ટી., વી.એસ.ટી. અને વી.વી.ટી ટીમો કાર્યરત કરવામાં આવી છે. ચૂંટણી સબંધિત કોઇપણ પ્રકારની ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૨૫ ૨૫૬૦ પર સંપર્ક કરી  ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી સંબંધીત ફરિયાદ કરી શકાશે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઉમરેઠ વિધાનસભા મત વિભાગના  પ્રત્યેક મતદારોને તેમના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અપીલ કરી હતી.

આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિતાબેન લાછુન અને જિલ્લાના પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી