Close

આણંદ જિલ્લા પુરવઠા અધિકારીએ ગેસ એજન્સીના સંચાલકો સાથે કરી બેઠક

Publish Date : 13/03/2026

ગેસ સિલિન્ડરના કાળાબજાર ના થાય અને સપ્લાય નિયમિત રાખવા સૂચના

ગ્રાહકોને પણ બિનજરૂરી સંગ્રહ નહીં કરવા અપીલ કરાઈ

આણંદ, ગુરુવાર: આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની સુચના અને માર્ગદર્શન હેઠળ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને જીલ્લાના તમામ તાલુકા મામલતદારશ્રીઓ અને ડીસ્ટ્રીક નોડલ IOCL અને HPCL  સાથેની  એલ.પી.જી. (LPG) ગેસનો પુરવઠો જળવાઈ રહે તે માટે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીની સુચના અનુસાર જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગેસ એજન્સીઓને કોઈ પણ પ્રકારનો બિનજરૂરી સંગ્રહ કે કાળાબજારી ન થાય તે જોવા સખત તાકીદ કરી છે. જો કોઈ સંગ્રહખોરી કે કાળાબજારી કરતા ઝડપાશે, તો તેમની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ  તથા પી.બી.એમ. એક્ટ હેઠળ કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

વધુમાં અન્ય સૂચના ન મળે ત્યાં સુધી કોમર્શિયલ સિલિન્ડરના સપ્લાયમાં હોસ્પિટલો અને શાળાઓને પ્રથમ પ્રાથમિકતા આપવા આદેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત આણંદ જીલ્લાના  રહેણાંક વિસ્તારોમાં પી.એન.જી. કનેક્શન ચાલુ છે, તેવા ગ્રાહકોને હાલની પરિસ્થિતિમાં એલ. પી.જી. બોટલ ન આપવા સૂચના અપાઈ છે. પુરવઠાનું વ્યવસ્થાપન માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMC)ના બોટલીંગ પ્લાન્ટ સાથે સતત સંપર્કમાં રહીને જીલ્લામાં ગેસનો જથ્થો સમયસર પહોંચતો કરવા સેલ્સ ઓફ્સિરોને જણાવાયું છે.

જીલ્લા પુરવઠા અધિકારીએ જાહેર જનતાને વિનંતી કરી છે કે, તેઓ કોઈ પણ પ્રકારની અફવા કે ચિંતામાં આવ્યા વગર ગેસનો બિનજરૂરી સંગ્રહ ન કરે.

જો કોઈ વ્યક્તિ નિયમ કરતા વધુ ભાવ લે અથવા કાળાબજારી કરે, તો તેની ફરિયાદ ઓ.એમ. સી. (OMC) ના હેલ્પલાઇન નંબર અથવા કલેકટર કચેરીએ કરવા અપીલ કરવામાં આવી છે.

 આ બેઠકમાં મામલતદારશ્રીઓ, આઈ.ઓ. સી. (IOC) ના ડીસ્ટ્રીક નોડલ ઓફિસર અને એચ.પી.સી.એલ. (HPCL) ના સેલ્સ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.

 

આણંદ જિલ્લા પુરવઠા અધિકારીએ ગેસ એજન્સીના સંચાલકો સાથે કરી બેઠક