પ્રાકૃતિક ખેતી – ખાસ લેખ
Publish Date : 09/02/2026
રસાયણમુક્ત જંતુનાશક શસ્ત્રો પ્રાકૃતિક ખેતીને રક્ષણ આપી તેને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે
‘નિમાસ્ત્ર’ – પ્રાકૃતિક ખેતીમાં ચૂસીયા પ્રકારની જીવાત અને નાની ઈયળોને નિયંત્રીત કરતું શસ્ત્ર
આણંદ, સોમવાર: પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત આચ્છાદન જેવા આયામોની સાથે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ, સુંઠાસ્ત્ર જેવા જંતુનાશક શસ્ત્રોનો ઉપયોગ કરવાથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતા વધારી શકાય છે અને આ જંતુનાશક શસ્ત્રોના ઉપયોગ દ્વારા પ્રાકૃતિક ખેતી કરીને પર્યાવરણ તથા માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન કરી શકાય છે.
પ્રાકૃતિક ખેતીમાં પાકના રક્ષણ માટે રાસાયણ યુક્ત દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ કુદરતી રીતે તૈયાર કરવામાં આવતાં જંતુનાશક શસ્ત્રો જેવાં કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ, સુંઠાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે પાકને પૂરતું રક્ષણ મળે છે જેથી ખેત ઉત્પાદનમાં અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે.
આવો! આજે આપણે ઉકત જણાવેલા જંતુનાશક શસ્ત્રો પૈકિના ‘નિમાસ્ત્ર’ બનાવવાની પ્રક્રિયા વિશે સમજીએ. નિમાસ્ત્રનો ઉપયોગ ચૂસીયા પ્રકારની જીવાત અને નાની ઈયળોના નિયંત્રણ કરવા માટે થાય છે. નિમાસ્ત્ર બનાવવા માટે ૨૦૦ લીટર પાણી +૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર +૨ કિગ્રા દેશી ગાયનું છાણ +૧૦ કિગ્રા કડવા લીમડાનાં નાના પાંદડા, કુમળી ડાળીઓ અથવા ૨૦ થી ૩૦ કિલો લીંબોડી ખાંડીને આ મિશ્રણને કોથળાથી ઢાંકી ૪૮ કલાક છાંયડામાં રાખી સવાર સાંજ ૫-૫ મિનિટ માટે ઘડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું ત્યાર બાદ કપડાથી ગાળીને ઉપયોગમાં લઈ શકાય છે. નિમાસ્ત્ર ને ૬ મહિના સુધી ઉપયોગમાં લઇ શકાય છે. પ્રતિ એકર ર૦૦ લીટર નિમાસ્ત્રને પાણી ભેળવ્યા વગર પાક પર સીધોજ છંટકાવ કરવો જોઇએ.
પ્રાકૃતિક ખેતીમાં નિમાસ્ત્ર સહિતના જંતુનાશક શસ્ત્રો અપનાવીને ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે છે અને આ રીતે કરવામાં આવતી રસાયણમુક્ત ખેતી પર્યાવરણને પણ સંરક્ષિત રાખવામાં અગત્યનું યોગદાન આપે છે.
આપણે જોઈ રહ્યા છીએ કે વર્તમાન સમયમાં રાસાયણિક ખેતીની હાનિકારક અસરો અને પર્યાવરણીય ચિંતાઓને કારણે પ્રાકૃતિક ખેતીનું મહત્વ પુનઃસ્થાપિત થયું છે. પ્રાકૃતિક ખેત પદ્ધતિઓ સમયની સાથે પરિવર્તનો પામી, પરંતુ તેનો મૂળભૂત સિદ્ધાંત ‘પ્રકૃતિના નિયમોનું પાલન’ આજે પણ એટલો જ પ્રસ્તુત છે.