પ્રાકૃતિક ખેતી: ઓછા ખર્ચે વધુ આવક અને પર્યાવરણ સંરક્ષણનો માર્ગ
Publish Date : 03/01/2026
દશપર્ણી અર્ક: પ્રાકૃતિક ખેતીનું શક્તિશાળી જંતુનાશક, ખેડૂતો માટે વરદાન
રસાયણમુક્ત ખેતી અપનાવો: દશપર્ણી અર્ક બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા અને તેના ફાયદા
આણંદ, શનિવા: પ્રાકૃતિક ખેતી એ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટેનો ઉત્તમ માર્ગ છે. દેશી ગાય આધારિત આ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોને બદલે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. તેમજ પ્રાકૃતિક ખેતી પર્યાવરણને પણ સંરક્ષિત રાખવામાં અગત્યનું યોગદાન આપે છે.
પ્રાકૃતિક ખેતીમાં પાકના રક્ષણ માટે રાસાયણ યુક્ત દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ કુદરતી રીતે તૈયાર કરવામાં આવતાં જંતુનાશક શસ્ત્રો જેવાં કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ, સુંઠાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી પાકને પૂરતું રક્ષણ મળે છે તેમજ ખેત ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે.’દશપર્ણી અર્ક’ જેવા જૈવિક કીટનાશકો પાકને રક્ષણ આપી, જમીનની ફળદ્રુપતા વધારે છે અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ કરે છે. આ પદ્ધતિ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે લાભદાયી છે.
આવો! આજે આપણે ઉકત જણાવેલા રસાયણમુક્ત જંતુનાશક શસ્ત્રો પૈકિના ‘દશપર્ણી અર્ક’ બનાવવાની પ્રક્રિયા વિશે સમજીએ. દશપર્ણી અર્ક ને બધાજ પ્રકારની જીવાત અને ફુગના નિયંત્રણ માટે સર્વોત્તમ ગણવામાં આવે છે. તેને બનાવવા માટેની પ્રક્રિયા ત્રણ દિવસની હોય છે. જેમાં પ્રથમ દિવસે ૨૦ લીટર ગૌમૂત્ર તેમજ ૨ કિ.ગ્રા. તાજા છાણને ૨૦૦ લીટર પાણીમાં નાખી લાકડીથી હલાવીને બે કલાક છાંયડામાં કોથળાથી ઢાંકવુ, આ મિશ્રણમાં ૫૦૦ ગ્રામ હળદરનો પાઉડર અને ૫૦૦ ગ્રામ આદુની ચટણી તથા ૧૦ ગ્રામ હીંગનો પાઉડર નાખી આ મિશ્રણને હલાવીને આખી રાત કોથળાથી ઢાંકી દેવું જોઇએ. બીજા દિવસે ઉપરોક્ત મિશ્રણમાં સવારે ૧ થી ૨ કિલો તીખા મરચીની ચટણી, ૪૦૦ ગ્રામ દેશી લસણની ચટણી, ૧ કિગ્રા તમાકુનો પાવડર નાખી લાકડીથી હલાવીને મિશ્રણને કોથળાથી ઢાંકી દેવું જોઇએ. ત્રીજા દિવસે “અ” શ્રેણીની કડવા લીમડાના પાન સાથેની ડાળીઓની ચટણી, કરંજ, સિતાફળ, ધતુરો, એરંડા અને બિલિપત્ર જેવી વનસ્પતિ પૈકી કોઇપણ પાંચ વનસ્પતિ તથા “બ” શ્રેણીની નગોડ, તુલસીની માંજર સાથેના પાન અને ડાળીઓ, ગલગોટના પંચાંગ, કારેલા, બાવળના પૈડીયા, આંકડા, આંબા, જાસુદ, જામફળ, પપૈયા, હળદર, આદુ, કરેણ, દેશી રામ બાવળ, બોરડી, કુવાડીયો, જાસુદ, સરગવો, અર્જુન સાદડ, ઘા બાજરીયુ (હાડવેલ) અને ગળોની વેલના પાંદડા જેવી વનસ્પતિ પૈકી કોઇપણ પાંચ વનસ્પતિ એમ કુલ દશ વનસ્પતિના પાંદડા, દરેક વનસ્પતિના ૨ કિગ્રા એટલે કે ૨૦ કિગ્રા પાનની ચટણી બનાવી તેને બીજા દિવસે બનાવેલ મિશ્રણમાં ડુબાડો અને ત્રીસથી ચાલીસ દિવસ વરસાદ અને સૂર્યના તાપથી દુર રાખી રોજ દિવસમાં પ-૫ મીનીટ બરાબર હલાવવું. ૧૦૦ થી ૨૦૦ લીટર પાણીમાં ૬ થી ૮ લીટર દશપર્ણી અર્ક નાંખી તેને હલાવી સ્થિર થાય ત્યારે કપડાથી ગાળીને ૦૧ એકરમાં તેનો છંટકાવ કરવો જોઇએ. આ દશપર્ણી અર્ક છ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય છે.
દશપર્ણી અર્ક પ્રાકૃતિક ખેતી માટે એક અત્યંત લાભદાયી જૈવિક કીટનાશક છે. તેના અનેક ફાયદાઓમાં મુખ્યત્વે સર્વગ્રાહી જીવાત નિયંત્રણનો સમાવેશ થાય છે, જેમાં તે ચૂસિયા પ્રકારની જીવાતો, ઇયળો અને અન્ય કીટકો સામે અત્યંત અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત, તેમાં રહેલા ફૂગનાશક ગુણધર્મો છોડને વિવિધ ફૂગજન્ય રોગો સામે રક્ષણ આપે છે. દશપર્ણી અર્ક પર્યાવરણ-મૈત્રીપૂર્ણ હોવાથી, તે રાસાયણિક જંતુનાશકોથી વિપરીત પર્યાવરણ કે જમીનને કોઈ નુકસાન પહોંચાડતો નથી, ઉલટાનું જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે. આ અર્ક ખર્ચ-કાર્યક્ષમ છે કારણ કે ખેડૂતો તેને ઘરે જ સરળતાથી અને ઓછા ખર્ચે તૈયાર કરી શકે છે. તેના ઉપયોગથી પાકની ગુણવત્તામાં સુધારો થાય છે, કારણ કે તે રસાયણમુક્ત હોવાથી માનવ વપરાશ માટે વધુ સુરક્ષિત અને પૌષ્ટિક બને છે. છેલ્લે, તૈયાર થયેલા અર્કનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે, જે તેને છ મહિના સુધી ઉપયોગમાં લેવા માટે અનુકૂળ બનાવે છે.
આમ, પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત આચ્છાદન જેવા આયામોની સાથે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ, સુંઠાસ્ત્ર જેવા જંતુનાશક શસ્ત્રોનો ઉપયોગ કરવાથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતા વધારી શકાય છે અને આ જંતુનાશક શસ્ત્રોના ઉપયોગ દ્વારા પ્રાકૃતિક ખેતી કરીને પર્યાવરણ તથા માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન કરી શકાય છે.