મહેસૂલી કેસોના નિકાલની બાબતને અગત્યતા આપી તેનો ઝડપી નિકાલ લાવવા પ્રભારી મંત્રીશ્રીનો અનુરોધ
Publish Date : 02/01/2026
આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજ્યસિંહ મહીડાના અધ્યક્ષસ્થાને અને મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગોની કામગીરી અર્થે સમિક્ષા બેઠક યોજાઈ
વિકાસના કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી
– મહેસૂલ રાજ્યમંત્રી શ્રી સંજ્યસિંહ મહીડા
આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં વિવિધ વિભાગોની કામગીરીની સમિક્ષા અર્થે મહેસુલ રાજ્ય મંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજ્યસિંહ મહીડાના અધ્યક્ષસ્થાને તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં આણંદ સરકિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા તેમની કામગીરી સંદર્ભે કરવામાં આવેલ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન નિહાળી પ્રભારી મંત્રીશ્રીએ સબંધિત વિભાગના અધિકારીશ્રીઓને રાજ્ય સરકારની લોક સુખાકારીની વિભાવનાને ચરિતાર્થ કરતી વિવિધ યોજનાઓ અને વિકાસને વેગ આપતાં માળખાકિય કાર્યોમાં ઝડપની સાથો સાથ વિકાસના કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા જણાવ્યું હતુ.
મંત્રીશ્રીએ જિલ્લામાં હાથ ધરાયેલા વિવિધ યોજનાકિય અને માળખાકિય કામોની સર્વગ્રાહિ સમિક્ષા કરતાં જણાવ્યું હતુ કે, મહેસૂલી કેસોના નિકાલની બાબતને અગ્રતા આપી તેનો ઝડપી નિકાલ થાય તે જરૂરી છે, તદ્દઉપરાંત રી-સર્વેની અરજીઓનો પણ સત્વરે નિકાલ લાવવા તેમણે જણાવ્યું હતુ.
આ બેઠકમાં અન્ન, નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જિલ્લાના વિકાસ અર્થે રચનાત્મક સૂચનો કરી ચાલુ નાણાંકિય વર્ષના કામો ઝડપભેર પૂર્ણ થાય અને કોઈપણ ગ્રાન્ટ વપરાયા વગરની ના રહે તેની તકેદારી રાખવા અધિકારીઓને જણાવ્યું હતુ.
સમિક્ષા બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સી.એમ. ડેશબોર્ડ અંતર્ગતની કામગીરી અને તેના પેરામીટર્સ તથા તેમાં થયેલ કામગીરીની વિગતો આપી હતી. તેમણે લેન્ડ ગ્રેબીંગ, મહેસૂલી કેસો, રી-સર્વેની કામગીરી, એસ.આઈ.આર. ની કામગીરી, જમીન ફાળવણી તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલ નવતર અભિગમો સહિતની બાબતોથી પ્રભારી મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા.
બેઠકમાં સબંધિત વિભાગના અધિકારીશ્રીઓએ તેમના વિભાગ હસ્તકની કામગીરી પ્રેઝન્ટેશન મારફત રજુ કરી હતી. આ તકે યોજનાકિય કામો, ફલેગશીપ કાર્યક્રમો અને માળખાકિય કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં ઉપસ્થિત સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો સર્વ શ્રી યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ તેમજ અગ્રણી શ્રી સંજ્યભાઈ પટેલે જિલ્લામાં ચાલતા કામો તેમજ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે જરૂરી કાર્યો બાબતે રચનાત્મક સૂચનો કર્યા હતા.
આ પ્રસંગે કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિન્દ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ તથા જિલ્લા અને તાલુકાના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.